હાલોલ
વડોદરાથી ૫ મિત્રો બે બાઈક પર સવાર થઈને પાવાગઢ દર્શન કરવા જવા માટે નીકળ્યા હતા. આ સમયે વડોદરા-હાલોલ રોડ પર બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં બાઈક પર સવાર ત્રણેય મિત્રોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતક યુવકોમાં એક દેવાગઢ બારીયા, એક લુણાવાડા અને એક દાહોદના ગરબાડાનો રહેવાસી હતો. મૃતકો પૈકી રોનક પરમાર વડોદરામાં માતા-પિતા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. જ્યારે અન્ય બે યુવકો હોસ્ટેલમાં રહેતા હતા. ઘટનાની જાણ થતાં મૃતક યુવાનોના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિતના ટોળા હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ સમયે પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્રણ મૃતકોમાંથી વિરેન્દ્ર ગોહિલ અને રોનક પરમાર વડોદરાની સિગ્મા કોલેજમં અભ્યાસ કરતા હતા. જ્યારે જયેન્દ્ર પટેલ વડોદરાની સુમનદિપ કોલેજમાં અભ્યાસ કરતો હતો. મૂળ લુણાવાડાના લીંબડીયા ગામના રહેવાસી રોનક ધનભાઈ પરમારનો જન્મ દિવસ હતો અને જન્મદિવસે જ રોનકનું મોત થયું હતું. જેથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.વડોદરા-હાલોલ રોડ પર ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં ૩ મિત્રોના કમકમાટીભર્યા મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


