વડોદરા
વડોદરાના રાજમહેલ રોડ ઉપર નવલખી કમ્પાઉન્ડમાંથી નીકળેલી કારે બાઇક લઇને પસાર થઇ રહેલા વ્યક્તિને અડફેટમાં લેતા બાઇક ચાલક ફંગોળાઇ ગયો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આજે બપોરના સમયે બનેલા બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ મોકલી આપ્યો હતો. કાર ચાલકનું નામ અસલમ હોવાનું જાણવા મળ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, રાતનો ઉજાગરો હોવાના કારણે ઝોકુ આવી જતાં ઘટના સર્જાઈ છે. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયો હતો. આખી રાતનો ઉજાગરો હોવાના કારણે કારના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના સર્જાઇ છે. રાજમહેલ રોડ ઉપર બનેલા આ બનાવને પગલે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. બીજી બાજુ રાવપુરા પોલીસને બનાવની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી અને કાર ચાલકને પોલીસ મથકમાં લઈ જઈને પૂછપરછ હાથ ધરી હતી. સદભાગ્યે મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી. આ બનાવ રાવપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી હતી.વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકને ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.


