વડોદરા
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તે રઝળતી ગાયોનો ત્રાસ અસહ્ય બની ગયો છે અને રોજેરોજ તેનો ભોગ લોકો બની રહ્યા છે, ત્યારે જવાબદાર અધિકારીઓ અને હોદ્દેદારો વડોદરા શહેરના લોકોને રસ્તે રઝળતી ગાયોમાંથી મુક્તિ અપાવે તેવી અમારી લાગણી અને માગણી છે. જાે કોર્પોરેશન દ્વારા વહેલી તકે શહેરીજનોને રસ્તે રઝળતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ નહીં અપાવે તો આવનારા દિવસોમાં કોઈ પરિવારને પોતાનો લાડકવાયો પુત્ર તો કોઇને ભાઈ તો કોઇને બહેન તો કોઇને પતિ ગુમાવવાનો વખત આવશે. હવે લોકોને ઘરની બહાર નીકળતા ડર લાગી રહ્યો છે.વડોદરા શહેરમાં રસ્તે રઝળતી ગાયો શહેરીજનો માટે ત્રાસરૂપ પુરવાર થઈ રહી હોવા છતાં પાલિકાનું તંત્ર ઉંઘ ઉડાડતુ નથી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન વડોદરાના અલકાપુરી જેતલપુર રોડ અને વડોદરા નજીક આવેલા કોયલી ગામ પાસે રસ્તે રઝળતી ગાયોએ બાઇક સવાર પરિવારને ભેટીએ ચઢાવતા એક બાળકી સહિત બે વ્યક્તિઓને ઈજા પહોંચાડી છે. ગાયની અડફેટે આવી ગયેલી યુવાનના લગ્નના ૧૫ દિવસ પહેલા ચહેરો ખરાબ થઈ ગયો છે. જેથી તેમણે પોતાનો ખરાબ થઈ ગયેલા ચહેરા અંગે મેયરને જવાબદાર ગણાવી શહેરીજનોને રસ્તે રઝળતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ આપવા માંગણી કરી છે. જ્યારે બાળકીની આંખ બચી જતા પરિવારે ભગવાનનો આભાર માન્યો છે. વડોદરાના અલકાપુરી જેતલપુર રોડ વિસ્તારમાંથી હિરેન પરમાર પોતાની એક્ટિવા ઉપર પસાર થઈ રહ્યા હતા. ટેટુ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હિરેન પરમાર પોતાની એક્ટિવા ઉપર આગળ ધપી રહ્યા હતા. તે દરમિયાન એકાએક દોડી આવેલી ગાયે તેઓને અડફેટે લેતા રોડ પર ફંગોળાઇ ગયા હતા. જેમાં તેઓને મોઢા ઉપર તેમજ હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ચહેરા ઉપર થયેલી નાની-મોટી ઇજાઓના કારણે તેઓને ૧૨ ટાંકા લેવાનો વખત આવ્યો છે. નોંધનીય છે કે, હિરેન પરમારના ૧૫ દિવસ બાદ લગ્ન થવાના છે, ત્યારે લગ્ન પહેલા જ તેમનો ચહેરો ખરાબ થઈ જતા તેઓએ પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. મારો ચહેરો ગાયના કારણે ખરાબ થઈ જવા માટે જાે જવાબદાર હોય તો તે વડોદરાના મેયર છે. મેયર સાહેબ હવે બહુ થયું. શહેરીજનોને રસ્તે રઝળતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવો. તેવી લાગણી વ્યક્ત કરવા સાથે રોષ પણ વ્યક્ત કર્યો હતો. બીજા બનાવમાં વડોદરા નજીક આવેલા કોયલી ગામ પાસેથી દંપતી પોતાની ૯ વર્ષની બાળકી સાથે બાઇક ઉપર પસાર થઈ રહ્યું હતું. દરમિયાન એકાએક ગાય આવી જતા બંને પરિવારને ભેટીએ ચડાવ્યા હતા. અને પરિવાર રોડ ઉપર ફંગોળાઈ ગયું હતું. જેમાં નવ વર્ષની બાળકીને આંખ પાસે તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી. માસુમ બાળકીને આખ પાસે ઇજા થતા ૭ ટાંકા લેવામાં આવ્યા છે. આખ બચી જતા પરિવારે ભગવાનનો આભાર માન્યો હતો.
