વડોદરા
વડોદરા શહેરના પ્રતાપ રોડ પર અંદાજે લગભગ પોણા બસો વર્ષ પુરાણો તાંબેકર વાડા આવેલો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના વડોદરા વર્તુળ દ્વારા આ સંરક્ષિત ઇમારતને હર ઘર તિરંગા અભિયાનનો સંદેશ આપવા ત્રિરંગી રોશનીથી શણગારવામાં આવી છે. પુરાતત્વ વિભાગે મકરપુરા વિસ્તારમાં આવેલા અંદાજે ૬૦૦ વર્ષ જૂના પુરાતન હજીરાને પણ ત્રિરંગી રોશનીથી શણગારવાનું શરુ કર્યું છે. પાવાગઢની વિશ્વ વારસામાં સ્થાન પામેલી ઇમારતોને પણ ત્રિરંગી રાષ્ટ્રીય રોશનીથી સુશોભિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે ૧૫ ઓગસ્ટના રોજ વડોદરાના હજીરા તેમજ પાવાગઢ – ચાંપાનેરની બેનમૂન સાત કમાન ખાતે ૫૦ ફૂટ સ્તંભ પર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા જાણે કે, અણમોલ પ્રાચીન વારસા ઇમારતોમાં રોશનીની ત્રિરંગી રંગોળી પૂરીને હર ઘર તિરંગા અભિયાન અનોખી રીતે સાકાર કરવામાં આવી રહ્યું છે. કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો હેરિટેજ મકબરો વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલો છે. જેમાં મુઘલ બાદશાહ અકબર દ્વારા નિમાયેલા ગુજરાતના સુબા કુત્બુદ્દીન મુહમ્મદ ખાનની કબર આવેલી છે. આ મકબરો ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે. જે હજીરા તરીકે પણ ઓળખાય છે. કુત્બુદ્દીન મુહમ્મદ ખાન, અકબરના પુત્ર સલીમનો શિક્ષક હતો. ભારતીય પુરાતત્વ વિભાગના સર્વેક્ષણ પ્રમાણે આ મકબરો ૧૫મી સદીમાં બંધાયો હતો. વડોદરામાં આવેલા હજીરાનો મકબરો ઉત્તમ સ્થાપત્યનો નમૂનો છે. અહીંના સ્થાપત્યની ખાસ વિશેષતા એ છે કે, અહીં મકબરો ઊંચા અષ્ટકોણીય મંચ પર બનાવવામાં આવેલો છે. આ મકબરાની ચારે બાજુમાં નાના દરવાજા આવેલા છે. આ દરવાજાની વચ્ચે પાંચ કમાનો આવેલી છે. આ મકબરો દિલ્હીના મુગલ કાલીન સ્થાપત્ય સાથે સામ્ય ધરાવે છે. આ મકબરાના ભૂમિગત ઓરડામાં સાચી કબર મુકવામાં આવેલી છે જ્યારે તેની ઉપરના ઓરડામાં કબરની પ્રતિકૃતિ મુકવામાં આવેલી છે. હજીરાના મકબરાની છત, કમાન અને પૂર્વ દિશાની જાળી પર અરબી લિપિમાં કુરાનની આયાતો કોતરેલી છે. મકબરાની છતના છજ્જા ઉપર કાંગરી કૃતિ લાલ રંગથી સુશોભિત છે. મકબરાના ગુંબજની નીચલા ભાગને લાલ રંગના જાડા થરથી લીપવામાં આવ્યું છે. મકબરાની આસપાસ બગીચો આવેલો છે.
