વલસાડનાં લીલાપોર ખાતે માહ્યાવંશી સમાજ દ્વારા વલસાડ મેરેથોન સીઝન 3 યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર માહ્યાવંશી સમાજનાં દોડવીરો તેમજ બાહ્ય દોડવીરોએ સહકારમય ભૂમિકા સ્વરૂપે ભાગ લીધો હતો. આ દોડમાં ભેગી થતી ધનરાશિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનાં અભ્યાસ અર્થે તેમજ ગરીબ દર્દીઓને આપવામાં આવે છે.
અંદાજિત પાંચ સો દોડવીરો વચ્ચે સુરત જિલ્લાની સક્રિય દોડવીર ટીમ રન એન્ડ રાઇડર 13 નાં સહ સંચાલક અશ્વિન ટંડેલ (પ્રા.શાળા, દેગામ) નાં શિક્ષક અને સાથી શિક્ષક શૈલેષ પટેલ સહિત વિદ્યાર્થીઓએ સહર્ષ જોડાઈને અન્ય બાળકો માટે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે એમની ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ, વલસાડનાં સદસ્યો સાથે દોડને સુગમ બનાવવા ઓન ટ્રેક દોડવીરોને હકારાત્મક પ્રોત્સાહન આપતા રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આ દોડમાં સૌથી નાની વયનાં દોડવીર ક્રીશિવ માત્ર ચાર વર્ષનાં હતા, જેમણે પાંચ કિમી દોડ પૂર્ણ કરી હતી. જિલ્લા મથકે થતી આવી અવનવી સ્પર્ધાઓમાં ખ્યાતનામ દોડવીરોને જોવાનો તેમને મળવાનો અવસર વિદ્યાર્થીઓને પૂરો પાડવા શિક્ષક તરીકે અશ્વિનભાઇ શક્યતઃ પ્રયત્નશીલ રહી હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહે છે. જે શિક્ષણ જગત માટે અનેરી પહેલ ગણાવી શકાય.