સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
થવામાં છે અલભ્ય હવે નામ છે તેનું ચકલી અને સાવ ભોળી, કાબર, તેતર, ટીંટોડી, હોલો અને કાંચીડાંની ક્યાં જોવા મળે છે હવે ટોળી?
–“પાંધી સર”
આમ તો આજકાલ વિશ્ર્વનું કોઈ પણ અખબાર ખોલો એટલે રશિયા અને યુક્રેનના યુધ્ધના સમાચાર અખબારી હેડ લાઈન હોય છે. નાટો, યૂનો, અમેરીકાની જમાદારી, ચાઈનાનું વેપારી વલણ, તો વળી આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્ય વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. આમ તો આ સમગ્ર સમસ્યાનું મૂળ કારણ વિશ્ર્વમાં પર્યાવરણની જાળવણી પ્રત્યેની ઉદાસીનતા જ હોય તો ના ન કહી શકાય. આમ પર્યાવરણ અને વન પ્રકૃતિ એક એવી વ્યંજનાની સમજણ છે જે માણસની સુખાકારી સાથે સંકળાયેલા છે. પરંતુ આંધળા વિકાસ અને ઔદ્યોગિકરણની દોડમાં સમગ્ર વિશ્ર્વ પર્યાવરણ જેવાં સંવેદનશીલ વિષય પરત્વે ઉદાસીનતા દાખવતો થઈ ગયો અને પરિણામસ્વરૂપે એવાં વિષચક્રમાં ફસાયો છે જેનાં દૂરગામી માઠાં પરિણામો ભોગવવા મજબૂર થયો. આમ આપણે પર્યાવરણની જાળવણી ન કરવાનાં અસહ્ય માઠાં પરિણામો પણ ભોગવવા માટે લાચાર થયા. તોકતે વાવાઝોડાની વિનાશકતા, કોરોનાની ભયંકરતા અને કમોસમી વરસાદ વચ્ચે બદલતી હવામાનની પેટર્ન. અસાધારણ ગરમી, અસાધારણ ઠંડી અને અસાધારણ વરસાદ.. વળી મોસમી પવનોના દિશાની બદલતી પેટર્ન જેવા વિઘાતક અસરો જોવા મળે છે. આમ તો વિશ્ર્વનાં તમામ દેશો હવે પર્યાવરણની જાળવણી માટે જાગૃત થવાની કોશિશ તો કરે છે. આમ તો આજકાલ આપણી જીવસૃષ્ટિનાં ધણાં જીવો વિલુપ્ત થવાને આરે છે ત્યારે આ વિશ્ર્વ ચકલી દિવસે આ વિલુપ્ત થતી જાતીનું સંવર્ધન આવશ્યક બની જાય છે.અને ચકલી તો એક માનવ મિત્રનું કાર્ય કરતી નિર્દોષ પ્રજાતિ સમજવામાં આવે છે. આપણી બાળવાર્તામાં પણ ચકલી એક અદકેરું સ્થાન ધરાવે છે. ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો અને તેની બનાવી ખીચડી. આવી બાળ સહજ વાર્તાઓ પણ સાંભળવા મળતી હોય છે. પહેલાંના કાળમાં સામાન્ય જન સમુદાય લગભગ દેશી નળિયાના મકાનોમાં રહેતાં. ચકલીઓ સામાન્ય રીતે વૃક્ષો પર માળા (નિવાસ સ્થાન) બનાવતી નથી હોતી. દેશી નળિયાના મકાનોમાં આવાં માળા બાંધતી. પરંતુ હાલનાં સમયમાં મોટા ભાગના મકાનો પાકા સ્લેબવાળા હોવાથી ચકલીઓ માળો બાંધવામાં મુશ્કેલીઓ અનુભવતી અને પરિણામ સ્વરૂપ મકાનોમાં આશ્રય લેવો મુશ્કેલ બની જતો. સામાન્ય રીતે ચકલીઓ ચણમાં અનાજનાં દાણાં ખોરાક તરીકે લે છે. પરંતુ સ્લેબવાળા મકાનોમાં આ ચકલીઓ માળા ન બનાવી શકતી. અને દૂર વિસ્તારોમાં જઈને જીવાત ખાવા લાગી અને પરિણામે આ ચકલીઓનો બેક્ટેરિયાનાં ચેપને કારણે મૃત્યુદરમાં અસાધારણ વધારો થવા લાગ્યો. આ બાબતને ધ્યાનમાં લઈને કેટલાક પર્યાવરણ પ્રેમીઓ એ આ સમસ્યાનો હલ શોધવા માટે આવી અલિપ્ત થઈ રહેલી ચકલીઓનાં નિવાસ એવા ચકલીના માળા અને તેના માટે ખાદ્યસામ્રગીનો એક નૂતન અભિગમ અપનાવ્યો. આ સંદર્ભે કૃત્રિમ માળાઓ અને પાણીનાં કુંડાનું વિતરણની કામગીરી પણ કરી શકાય અને લુપ્ત થતી આ ચકલી પ્રજાતિને પુનઃ નવજીવન આપવાનો મહાયજ્ઞમાં આપની આહુતિ આવાં ચકલીના માળા, ચકલી માટે પાણી પીવાના કુંડા અને ચણ માટે રામપાતર આપણાં ઘરોમાં મૂકાવી આપણે ચકલીની વિલુપ્ત થતી જાતિને બચાવવામાં આપણું યોગદાન આપી શકાય . લોકભાગીદારીના સહયોગથી સાવરકુંડલા શહેરનાં લોકોને આવા માળા તથા પાણીનાં કુંડાનું વિતરણ થાય અને લોકો પણ પોતાના ઘરમાં આવા માળા બાંધી વિલુપ્ત થતી ચકલીઓને બચાવવા માટેનું એક જાગૃતિ અભિયાન પણ ચલાવે તો વિલુપ્ત થઈ રહેલી આ ભોળી અને નિર્દોષ ચકલીઓને બચાવી શકાય. આ ઉપરાંત પર્યાવરણની જાળવણી માટે પણ વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિ પણ આ સામાજિક અને જીવદયા પ્રેમીઓ દ્વારા થઈ શકે પર્યાવરણનાં જતન માટે વૃક્ષારોપણ અને વિલુપ્ત થઈ રહેલી જીવસૃષ્ટિનાં સંવર્ધન માટે હવે દરેકે સચેત થવાનો આ કાર્યકાળ છે. પર્યાવરણ અને ચકલીઓનાં સંરક્ષણ માટે હંમેશા પ્રતિબદ્ધતા દાખવવી એ દરેક માનવીની નૈતિક ફરજ તો અવશ્ય ગણાય. આમ પણ ધરતીનું સંતુલન જાળવવા માટે ફરીથી પ્રકૃતિને મિત્ર સમજી તેની જાળવણી, જીવની જેમ જતન કરવું એ જ એક માત્ર ઉકેલ છે જીવન રાહને શાંતિપૂર્ણરીતે વ્યતીત કરવાનો. સમગ્ર માનવજાતને કોરોના વાયરસ જેવા વિનાશકારી સંક્રમણથી બચાવવા અને આ યંત્રવત જીવન પધ્ધતિમાં આમૂલ ફેરફાર કરીને ફરીથી પ્રકૃતિ સમીપે જવાનો આ જ શ્રેષ્ઠ સમય છે..સૌને વિશ્ર્વ ચકલી દિવસની શુભકામનાઓ.