સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના બીજા તબક્કા અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા અંગેની વ્યક્તિગત અને સામુહિક વિવિધ કામગીરી જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિસાવદર તાલુકાના નવી ચાંવડ ગામે નિર્માણ થયેલ સામૂહિક શૌચાલયનું જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૬૬ સામુહિક શૌચાલયની વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે. જે પૈકી વિસાવદર તાલુકાના નવી ચાંવડ ગામે જય અંબે હોસ્પિટલની બાજુમાં મંજૂર કરવામાં આવેલ સામૂહિક શૌચાલયની કામગીરી પૂર્ણ થતા ડીઆરડીએના ચેરમેનશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સામુહિક શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને ૧૫માં નાણાપંચના કન્વઝન્સથી આ શોચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છ ભારત મિશનના ૭૦ ટકા મુજબ રૂ. ૨૧૦૦૦૦ અને ૧૫ માં નાણાપંચના 30 ટકા મુજબ એમ કુલ રૂ.૯૦૦૦૦ એમ કુલ ૩૦૦૦૦૦ લાખના ખર્ચા સામુહિક શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, જય અંબે હોસ્પિટલમાં સારવાર અર્થે ઘણા લોકોની અવરજવર થતી હોય જેથી લોકો આ શૌચાલયનો ઉપયોગ કરી શકશે. તેમજ રાહદારીઓ માટે પણ આ શૈાચાલય ઉપયોગી બનશે. વધુમાં જય અંબે હોસ્પિટલના પંટાગણ તેમજ આજુબાજુની જગ્યા પર ગંદકી થતી પણ અટકશે.
આ સામુહિક શૌચાલયમાં મહિલાઓ અને પુરુષો માટે બાથરૂમ, શૌચાલય, યુરીન બોક્સ તેમજ દિવ્યાંગો માટે રેમ્પ સાથેના શૌચાલયની સુવિધા આપવામાં આવી છે. આ ઉદઘાટન પ્રસંગે જય અંબે ટ્રસ્ટના મહંત શ્રી, જૂનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, જિલ્લા કોઓર્ડીનેટર શ્રી, વિસાવદર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખ શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


