કેશોદ
કેશોદના રેવદ્રા ગામે પશુ ચરાવતી વખતે એક વૃદ્ધનો પગ લપસી જતાં તળાવના પાણીમાં ડુબી જવાથી મોત નિપજયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનીક અને બહારથી બોલાવેલા તરવૈયા તેમજ એનડીઆરએફ ટીમની મદદ લઈ રેસ્કયુ હાથ ધરાયું હતું. અને ૯ કલાક બાદ મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ રેવદ્રા ગામે મીઠાભાઈ ભોજાભાઈ કરમટા ગૌચરમાં પશુ ચરાવતાં હતાં. રોજીંદી ક્રિયા મુજબ તેમનો પૌત્ર બપોરના ટિફિન દેવા ગયો હતો. પરંતુ દાદા ન મળતાં પરીવારને જાણ કરી હતી. શોધખોળ કરતાં ન મળતાં તેમની પાસે રહેતી કુહાડી તળાવ કાંઠે પડી હોય પાણીમાં ગરકાવ થયાની શંકા દ્રઢ બનતાં સ્થાનીક અને બહારગામથી તરવૈયા બોલાવી તેમજ એનડીઆરએફની મદદથી ૯ કલાક રેસ્કયું કરવામાં આવ્યું હતું અંતે રાત્રીના મીઠાભાઇનો મૃતદેહ મળી આવતાં હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. વૃદ્ધના મોતની ઘટનાથી પરિવારમાં શોક પ્રસરી જવા પામ્યો હતો. તળાવ કિનારેથી કુહાડી મળતા વૃદ્ધ તળાવના પાણીમાં ગરકાવ થયાની શંકા દ્રઢ બની હતી. પરંતુ તેમના માથા ઉપર રહેલ પાઘડી અને ફારિયું પાણીની સપાટી પર જાેવા ન મળતા વૃદ્ધ સાથે કાંઈક અઘટીત ઘટના બની હોવાની ચર્ચા જાગી હતી. પરંતુ અંતે તળાવમાંથી મૃતદેહ સાથે પાઘડી અને ફારિયું તેમની સાથે મળી આવતા ચર્ચાઓનો અંત આવ્યો હતો.


