ગીર સોમનાથ
વેરાવળના ભિડિયા વિસ્તારમાં દરિયાકાંઠા સામે આવેલાં રહેણાક મકાનો વચ્ચેના ચોકમાં અમુક બાળકો બપોરના સમયે રમી રહ્યાં હતાં. એ સમયે અચાનક જ ચોકમાં આવેલા એક જૂનવાણી બંધ મકાનના રવેશની દીવાલ અચાનક ધરાશાયી થઈ હતી. આ દીવાલના મલબા નીચે ત્યાં રમી રહેલાં પૈકીનાં ત્રણ બાળકો દબાઈ ગયાં હતાં. આ દીવાલ ધરાશાયી થવાના અવાજને પગલે આસપાસમાં રહેતા લોકોએ દોડીને બહાર આવી ત્રણ જેટલાં બાળકોને બહાર કાઢી તરત સારવાર અર્થે બિરલા હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં, જેમાં ધનંજય ઈશ્વર આંજણી (ઉં.વ. ૧૨) નામના બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે દીક્ષિત ઈશ્વર આંજણી (ઉં.વ. ૭) અને હેમેશ અમરિક ગોહેલ (ઉં.વ. ૧૨)ને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમને સારવાર આપવામાં આવી હતી. બે દિવસ બાદ આ કરુણ ઘટનાના વિચલિત કરી દે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જે સ્થળે ઘટના બની હતી ત્યાં પાસે એક મકાનમાં લાગેલા સીસીટીવીમાં સમગ્ર બનાવ કેદ થઈ ગયો હતો. એમાં બપોરના ૩ કલાક અને ૨૫ મિનિટે બાળકો રમતાં રમતાં થોડો આરામ કરવા બંધ મકાનની આગળના ભાગે છાંયામાં બેસ્યાં હતાં તો અમુક ઊભાં હતાં. એ સમયે અચાનક જ મકાનના રવેશની દીવાલ તાશનાં પત્તાંની જેમ કૂમળાં ફૂલ જેવાં બાળકો ઉપર પડી હતી. આસપાસમાં દીવાલનો મલબો વિખેરાઇ ગયેલો જાેવા મળ્યો હતો. તો દીવાલ ધરાશાયી થવાના મોટા અવાજથી આસપાસના લોકો પણ ઘર બહાર દોડી આવ્યા હોવાનું સીસીટીવીમાં જાેવા મળે છે. અત્રે નોંધનીય છે કે વેરાવળ-સોમનાથ જાેડિયા શહેરના ઘણા વિસ્તારોમાં જુનવાણી જર્જરિત મકાનો અકસ્માતને આમંત્રણ આપતા ઊભાં છે. એમ છતાં નગરપાલિકા તંત્ર આવા જર્જરિત બાંધકામોને દંડવા કે ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યું હોવાથી લોકોમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે હવે બંધ જર્જરિત મકાન કોઈ અન્યનો ભોગ લે એ પહેલાં કડક કાર્યવાહી પાલિકા તંત્ર કરે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યાં છે.બે દિવસ પહેલાં વેરાવળ શહેરના ભિડિયા વિસ્તારમાં બંધ મકાનની દીવાલ ધસી પડતાં ત્યાં રમી રહેલાં ત્રણ બાળક ઉપર કાટમાળ પડ્યાની ઘટના બની હતી. આ કરુણ ઘટનામાં એક બાળકનું મોત નીપજ્યું હતું અને બે બાળક ગંભીર રીતે ઘવાયાં હતાં, જાેકે બે દિવસ બાદ આ ઘટનાના વિચલિત કરી દે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.