Gujarat

સરસ્વતિ નદીમાં કચરો ઠાલવાશે તો નગરપાલિકાની બોડીને વિખેરી નાંખવા આદેશ

અમદાવાદ
સિદ્ધપુર શહેરનો કચરો સરસ્વતી નદીકાંઠે ઠાલવ્યો તો સિદ્ધપુર નગરપાલિકાના સત્તાધીશોની ખેર નથી! ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ પારડીવાલાએ અને વૈભવી નાણાવટી ખંડપીઠે એક મહત્ત્વપૂર્ણ આદેશ કર્યો છે. જેમાં પાટણ જિલ્લાના સિધ્ધપુર શહેરની ઐતિહાસિક સરસ્વતી નદીમાં ફેલાતા પ્રદૂષણ મામલે નગર પાલિકા સત્તાધીશોની ઝાટકણી કાઢીને હુકમ કર્યો છે, કે જાે હવેથી નદીમાં પ્રદૂષિત કચરો ઠાલવવામાં આવશે તો તેઓ નગરપાલિકા બોડીને વિખેરી નાખવાનો હુકમ કરશે. સુનાવણી દરમિયાન કોર્ટે એવું પણ અવલોકન કર્યું છે કે,નગરપાલિકાએ નદી કાંઠે ડમ્પિંગ સાઇટ ઊભી કરી મોટુ નુકશાન કર્યું છે, જેની ભરપાઈ થઇ શકે તેમ નથી. સિદ્ધપુર નગરપાલિકા પાલિકાએ કોર્ટ સમક્ષ રજુઆત કરી કે રાજ્ય સરકારે ડમ્પિંગ સાઇટ માટે એક અલગથી જગ્યા ફાળવી છે, જેથી હવે તે કચરો નવી જગ્યા પર ઠાલવવામાં આવી રહ્યો છે’. જે મામલે કોર્ટે ટકોર કરી કે ‘ડમ્પિંગ સાઇટને અન્ય સ્થળ પર લઈ જવી, એ માત્ર ઉપાય નથી, આમ થવાથી તે ભવિષ્યમાં ફરીથી પ્રદૂષણની સમસ્યાઓ ઉભી કરી શકે છે, જેથી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થાય તે જરૂરી છે. સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ગુજરાત રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ સવાલ પૂછ્યો છે કે,નદીને પ્રદુષિત કરવા બાબતે બોર્ડે પાલિકા સામે શું પગલા લીધા અને હવે શું કરવા માંગે છે? તેનો જવાબ રજૂ કરે. સાથે સાથે આ વિસ્તારનો સર્વે કરી કચરો ન ફેંકાય તેનું ધ્યાન રાખવા જીપીસીબીને કોર્ટે નિર્દેશ આપ્યા છે.પાટણ જિલ્લા કલેકટરને પણ કચરો નદીમાં ન ફેંકવામાં આવે તેનું મોનીટરીંગ કરવા નિર્દેશ આપ્યા છે. મામલે આગામી ૨૫ માર્ચે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. જેમાં કોર્ટે આપેલા નિર્દેશોનું પાલન અંગેનો રિપોર્ટ રજૂ કરવા માટે પણ કોર્ટે કહ્યું છે.અમદાવાદની સાબરમતી નદી બાદ પાટણ જિલ્લાના સિદ્ધપુરની સરસ્વતી નદીના પ્રદૂષણ અંગે ગુજરાત હાઇકોર્ટ કડકાઈ દાખવી છે. હવેથી જાે કચરો નદીમાં ઠલવાય તો સિધ્ધપુર પાલિકા સત્તાધીશોની બોડીને વિખેરવાનો આદેશ કરવાની કોર્ટે તૈયારી દાખવી છે. ઐતિહાસિક સરસ્વતી નદીમાં શહેરનો કચરો ઠાલવવાના કારણે નદી પ્રદૂષિત બની હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીની સુનાવણીમાં કોર્ટે હવેથી પ્રદૂષણ ન ફેલાય તેની તકેદારી રાખવા જીપીસીબી, નગરપાલિકા અને જિલ્લા કલેકટરને નિર્દેશ આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *