રાજકોટ
પોરબંદરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક મેસેજ પોસ્ટ કરવા બદલ સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર મિલન આહિરે પોલીસ હેડક્વાર્ટરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને હાલમાં નોકરીમાંથી સસ્પેન્ડ કરાયેલા નરેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, પોલીસને “પોલીસ મહા આંદોલન ૨૧” નામના વોટ્સએપ ગ્રુપ વિશે માહિતી મળી હતી. આ ગ્રુપ દ્વારા એક મેસેજ ફરતો કરવામાં આવી રહ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, પોલીસ હવે તેના પરિવાર, મિત્રો, સંબંધીઓ, ગામની તાકાત બતાવશે. જાે પોલીસ ઈચ્છે તો તેઓ સરકારને ઉથલાવી શકે છે. હવે પોલીસનો વારો છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, આ મેસેજ ‘પોલીસ કર્મચારીઓને ગેરમાર્ગે દોરી શકે છે અને તેમને સરકાર વિરુદ્ધ ઉશ્કેરી શકે છે.’ નરેન્દ્રસિંહ પરમારે આ પોસ્ટ ફરતી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આ પોસ્ટ શિસ્તબદ્ધ પોલીસ દળમાં અસંતોષ પેદા કરી શકે છે અને તેમને શિસ્તનો ભંગ કરવા માટે ઉશ્કેરી શકે છે.
