Gujarat

સાવરકુંડલા શહેરની  આમજનતા પણ  આવશ્યક ખાદ્ય સામગ્રી પર લાદવામાં આવેલા જીએસટીના ભાર થી ત્રસ્ત છે. લોકો હવે બચત કરવાનું તો ભૂલી ગયા. રોજબરોજના બજેટને પહોંચી વળવા પણ આમતેમ ફાંફા મારવા પડે એવી પરિસ્થિતિમા મૂકાયા હોય તેવું લાગે છે.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
અબ તો જીના દુશ્વાર હો ગયા, મુફ્તમે વો મશહૂર હો ગયા.. સાંપ્રત સમયમાં સરકારની જીએસટી પોલીસી અને આવશ્યક જીવનજરૂરિયાત વાળી ખાદ્ય સામગ્રી જેવા કે દહીં, છાશ, લોટ, દાળ, ચોખા વગેરે પર પણ જીએસટીનો વિકરાળ પંજો પડતાં શહેરી, અર્ધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારીએ માઝા મૂકી લોકો બચતની વાત તો સંપૂર્ણ ભૂલી જ ગયા પરંતુ રોજબરોજના આવશ્યક ખર્ચા માટે પણ ફાંફાં મારવા પડે તેવી હાલતમાં જોવા મળેલ છે. આમ આ મૂંગો માર લોકો મૂંગા મોઢે સહન કરવા મજબૂર બનતા જોવા મળે છે. એક તરફ રાંઘણ ગેસ, પેટ્રોલ, ડીઝલ જેવાં ઈંધણોના ભડકે બળતાં ભાવ એમાં અચાનક આ જીએસટીનો માર તો વળી ખાદ્ય તેલના સતત વધતાં ભાવોથી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતા આમ આદમીના જીવન નિર્વાહનું બજેટ વેરવિખેર થઈ ગયું છે. સરકારના જીવન નિર્વાહ માટે આવશ્યક ખાદ્ય સામગ્રી પર જીએસટીમાં સામેલ કરવાના નિર્ણયનો આમજનતામાં ભારે અસંતોષ જોવા મળે છે. લોકો તો હવે વ્યંગમાં એમ પણ કહે છે કે આવતા દિવસોમાં જો આવીને આવી પરિસ્થિતિ રહી તો લોકો પર શ્ર્વાસ લેવામા ઉપયોગમાં આવતાં પ્રાણવાયુ (ઓક્સિજન) પર પણ વેરો નાખવામાં આવી શકે છે.. સડક પર પગપાળા ચાલવા માટે પણ વેરો આવી શકે છે. હા, વિકાસ કરવો હોય તો કદાચ લોકો આંખો દ્વારા જગત દર્શન કરે છે એ દર્શનનો લ્હાવો લેવા માટે પણ કરવેરો લાગી શકે છે. આ તકે કવિ કલાપીની ગ્રામમાતા કાવ્યની એ પંક્તિઓ અહીં પ્રસ્તુત છે. કાં થયો ભૂપ દયાહીન, કાં થઈ આ  ધરા રસહીન..!! શેરડીના સાંઠાનો રસ પણ આમજનતાના આવા વેરાના ભારથી જીવન રસહીન થઈ જાય તો નવાઈ નહી.!! હે, રામ, હવે તમે કરો રૂડાં કામ,!! આમજનતા હવે આવા આડકતરા વેરાનો ભાર ક્યાં સુધી સહન કરશે.??

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *