સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા શહેરમાં આવેલ મણીભાઈ ચોક પાસે હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલો લોખંડનો વિદ્યુત પોલ આજરોજ તારીખ ૧૯ મે ના રાતના સુમારે અચાનક ઢળી પડતાં સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. સદનસીબે કોઈ જાનહાની કે કોઈ નુકસાની થઈ નથી એવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે. આમ તો આ લોખંડનો થાંભલો જર્જરિત હાલતમાં હતો અને આ સંદર્ભે વિદ્યુત વિભાગને જાણ પણ કરવામાં આવેલ. જો કે સાવરકુંડલા વિદ્યુત બોર્ડ ( પીજીવીસીએલ) દ્વારા આ થાંભલાને બદલવાની તજવીજ હાથ ધરે તે પહેલાં જ આ થાંભલો ધરાશયી થઈ ગયો. જો કે આ સંદર્ભે સાવરકુંડલા વિદ્યુત વિભાગ દ્વારા હવે યુધ્ધના ધોરણે આવતીકાલે સિમેન્ટનો થાંભલો નાખી દેવા માટે ત્યાંના રહેવાસીઓ અને આસપાસના લોકોને ખાતરી આપી છે.સાવરકુડલા વિદ્યુત બોર્ડ ( પીજીવીસીએલ) ના નાયબ ઈજનેર બોરડ સાહેબ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિકોને આવતીકાલે સવારે જ નવો સિમેન્ટનો થાંભલો નાખી આપવા હૈયાધારણ આપી હતી. આમ તો તોકતે વાવાઝોડામાં પણ સાવરકુંડલા વિદ્યુત બોર્ડ (પીજીવીસીએલ) ખાસકરીને જીઈબી (પીજીવીસીએલ) ના નાયબ ઈજનેર બોરડ સાહેબ અને તેની સમગ્ર ટીમની કામગીરી કાબિલેતારીફ હતી તેવું લોક મુખે ચર્ચાતું જોવા મળેલ. એક વાત પણ અહીં સ્પષ્ટ છે કે આ વિસ્તારમાં હવે વિદ્યુત વિભાગે વધુ ધ્યાન આપી અન્ય કોઈ વિદ્યુતને લગતી ફરિયાદ હોય તો તુરંત અગ્રતાના ધોરણે હલ કરવી જોઈએ એવું અહીં સ્થાનિકોનું માનવું છે.


