સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ પોલીસ ચોકી પાસે આવેલ શાક માર્કેટ ધૂળ ખાઈ રહી છે. આમ ગણો તો આ નગરપાલિકાની ઈમારતના રખરખાવ માટે કોઈ યોજના ન હોય તેવું હાલની પરિસ્થિતિ જોતાં લાગે છે. આમ ગણો તો કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકત બંધ હાલતમાં હોય તો પણ સમયાંતરે ત્યાં આંટોવીટો મારે છે. સાફસફાઈ પણ કરતાં હશે.. જ્યારે સાવરકુંડલા નગરપાલિકાની આ વર્ષો પહેલાં બનેલી કહેવાતી શાકમાર્કેટની ઈમારત આજે ભેંકાર ભાસે છે. આ શાકમાર્કેટની ઈમારત શા માટે બંધ પડી છે? એનાં કારણોમાં નહીં જતા નગરપાલિકાની આ મિલકતની જાળવણી સાફસફાઈ રાખવી એ પણ જરૂરી તો છે જ. થોડા સમય પહેલાં નગરપાલિકા દ્વારા જ એક સ્થાનિક પત્રિકામાં શાકમાર્કેટ માટે શાકભાજી વેચનારને ભાડા પેટે આપવા માટે જાહેરાત કરવામાં આવી. સાફસફાઈ કરવાના દ્રશ્યો પણ અખબારોમાં પ્રસિધ્ધ થયાં.. શાકમાર્કેટ શરૂ ન થઈ તેનાં કારણોમાં નહીં પડતાં ત્યારપછી એ શાકમાર્કેટના દરવાજા હજુ પણ બંધ જ છે.. હવે તો એના પ્રવેશદ્વાર પણ જ સાવ કટાઈ ગયેલાં જોવા મળે છે. અહીં સવાલ એ ઉપસ્થિત થાય છે કે નગરપાલિકાની માલિકીની કોઈ ઇમારત બંધ હાલતમાં હોય તો તેની જાળવણી રાખવી એ કોની ફરજ ગણાય? સંલગ્ન તંત્ર દ્વારા આ ઈમારતની જાળવણી તો રાખવી જોઈએ એવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. ખૈર તંત્રની આંખ ઊઘડે અને આ ઇમારતની અંદર બહારથી દેખાતાં બાવળિયા અને બિનજરૂરી ઘાસ કાપી આ ઇમારતને સ્વચ્છ તો રાખવી જોઈએ.. કે પછી આ બધું તો શાકમાર્કેટ શરૂ થાય તો કરવામાં આવશે. હા, શાકમાર્કેટ અહીં શરૂ ન થઈ શકતી હોય તો શક્ય હોય આ ઇમારતનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરવો જોઈએ. પરંતુ આમ નગરપાલિકાની ઇમારત બંધ રહે તે પણ કેટલે અંશે વ્યાજબી કહેવાય?

