Gujarat

સાવરકુંડલાનાં હાથસણી રોડ સ્થિત આવેલી છેલ્લા ઘણા વર્ષોથી બંધ જેવી સ્થિતિમાં આવેલી શ્રી વી. જે પારેખ જનરલ હોસ્પિટલ હવે ધીમે ધીમે કાર્યરત થઈ રહી હોય તેવું જાણવા મળે છે. પ્રારંભ કાળે આંખના દર્દીઓ માટે ઓપીડીના શ્રી ગણેશ થયાં. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
આમ તો છેલ્લાં બે વર્ષમાં લોકોને પણ સ્વાસ્થ્ય સુરક્ષા અંગે સતર્ક થતાં જોવા મળ્યા. છેલ્લા બે વર્ષ દરમિયાન જો કોઈ બહુચર્ચિત મુદ્દો હોય તો બેધડક કહી શકાય કે કોરોના..એ  કપરાં કાળ દરમિયાન જ લોકોનાં જીવનમૂલ્યોનાં આયામો બદલી ગયેલા. સોશ્યલ ડિસ્ટન્સીંગ, સેનિટાઈઝીંગ, માસ્ક અને વેક્સિનેશન જેવાં શબ્દો આ સમય દરમિયાન લોકમુખે હૈયે અને હોઠે થઈ ગયેલાં. આવાં સમયે આપણાં દેશમાં પણ હવે આરોગ્યની દરકાર કરવી જ પડશે એવો અહેસાસ જનતામાં જોવા મળતો થવા લાગ્યો. હવે સ્વાસ્થ્યની વાત કરીએ ત્યારે દવાખાના, હોસ્પિટલો વગેરેની સંકલ્પના પણ લોકોની નજર સમક્ષ તરવરે તો ખરાં. સાવરકુંડલા શહેરની જ વાત કરીએ તો લગભગ પીસ્તાલીસ વર્ષ પહેલાં અહીં હાથસણી રોડ ખાતે વિશાળ જમીનમાં આંખની  હોસ્પિટલની શરૂઆત થઈ હતી. આ સમયે પ. પૂ. ડોંગરેજી મહારાજની ભાગવત સપ્તાહનું પણ આ સાવરકુંડલાની ધરાં પર આયોજન થયું હતું.. આમ તો ક્રીટિકલ દર્દીઓને રાજકોટ કે કોઈ મહાનગરોની હોસ્પિટલમાં દાખલ ન થવું પડે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સાવરકુંડલા શહેરમાં જ મેટ્રોપોલીટન શહેરો જેવી આરોગ્ય સુવિધા મળી રહે તેવી ઉત્તમોત્તમ ભાવના સાથે આ હોસ્પિટલનું નિર્માણ થયું હતું . ઘણાં સમય સુધી આંખની શ્રેષ્ઠ સારવાર અહીં મળતી રહી અને કાળક્રમે આ હોસ્પિટલ જનરલ હોસ્પિટલમાં પરિવર્તિત થઈ અને હાડકાંનાં દર્દીઓ કે હ્રદયનાં દર્દીઓ કે દાંતના દર્દીઓ તથા આંખના દર્દો જેવા અનેક રોગોની સારવાર આ હોસ્પિટલમાં ખૂબ જ વ્યાજબી દરે કરવામાં આવતી હતી. આ હોસ્પિટલ દર્દીઓથી ધમધમતી થયેલી અને કાળક્રમે  ઘણાં વર્ષો સુધી બંધ હાલતમાં ધૂળ ખાતી પણ જોવા મળી હતી. આ હોસ્પિટલ શ્રી વી. જે. પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ  દ્વારા ચાલતી હતી. આમ પણ કહે છે કે સમય બદલાય ત્યારે સઘળું બદલાય જાય. જો કે હવે આ હોસ્પિટલમાં નજીવા  દરે આંખના દર્દીઓના નિદાન જેવા કે મોતિયા, જામર, વેલ, નાસુર જેવા આંખના દર્દોના નિદાન ઓપીડી  સારવાર માટે કાર્યરત થયેલ છે તેવાં સમાચાર જાણવા મળે છે. જો કે સામે પક્ષે હાલ સાવરકુંડલા શહેરમા વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિઃશુલ્ક) ખાદી કાર્યાલયનાં પ્રાંગણમાં કાર્યરત છે. અને  આ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આંખના દર્દોની સારવાર નિશુલ્ક થઈ રહી છે. કંઈક આવું જ ઉદાહરણ આ હોસ્પિટલ પણ પૂરું પાડે એવું  આમજનતા ઈચ્છે છે.
Attachments area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *