નડિયાદ
ઠાસરા તાલુકાના કોટલીડોરા તાબે બોડી ગામે રહેતી ૨૩ વર્ષીય યુવતીના લગ્ન વર્ષ ૨૦૧૯માં પોતાની જ્ઞાતિના રીતે રિવાજ મુજબ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વિટોજ ગામે રહેતા યુવક સાથે થયા હતા. લગભગ દોઢેક વર્ષ સુધી લગ્નજીવન સારું ચાલ્યું પરંતુ આ બાદ પરણિતાના સાસુ સસરા તેણીને ઘરના કામકાજ બાબતે મહેણા ટોણા મારી અવારનવાર જણાવતા હતા કે, તું તારા પિયરમાંથી અમારી પ્રતિષ્ઠાને શોભે તેવું કાંઈ લાવી નથી, તું ભિખારીની ઓલાદ છે અને તુ દીકરાને જણતી નથી. તુ વાઝીયણ છે’ જેવા ન બોલવાના શબ્દો અવારનવાર બોલતા હતા. ઉપરાંત સારા નરસા પ્રસંગે પરિણીતાને પિયરમાં પણ આવવા જવા દેતા નહોતા અને પિયરના વ્યક્તિઓ સાથે પણ વાતચીત કરવા દેતાં ન હતા. આટલે થી વાત ન અટકતા તેનો પતિ અવારનવાર પોતાની પત્ની પર ચારિત્રની શંકા રાખી, ઉપરાંત દારુ પીને અવારનવાર માર મારતો હતો. જ્યારે એક વર્ષ રહેલાં બોલાચાલી કરી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી અને જણાવ્યું હતું કે, ‘અમારે તબેલો બનાવવાનો છે, જેથી તારા પિતા પાસેથી રૂપિયા લઈ આવ, નહીં તો તને ઘરમાં આવવા નહીં દઉ’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બેબાકળી બનેલી પરિણીતા પોતાના પિયરમાં આવી ગઈ હતી. તેની છેલ્લા એક વર્ષથી પોતાના પિતા પાસે રહે છે અને આ બાબતે સમાજના આગેવાનો દ્વારા સમજાવટ માટે પણ પ્રયાસ કરાયો હતો. પરંતુ પીડિતાના સાસરિયાના લોકો ટસના મસ ન થતા પીડિતાએ પોલીસનો સહારો લીધો છે. સમગ્ર મામલે પીડિતાએ ડાકોર પોલીસ મથકે પોતાના પતિ, સસરા અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.ઠાસરા તાલુકાના કોટલીડોરા ગામની દિકરી સાસરિયાના ત્રાસનો ભોગ બની છે. સાસરિયાઓએ પરિણીતાને ઘરમાંથી તગેડી મૂકતા પીડિતાએ પોતાના પિયરમાં આવી ન્યાય મેળવવા પોલીસનો સહારો લીધો છે. સમગ્ર મામલે પીડિતાએ પોતાના પતિ, સાસુ, સસરા સામે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
