પાટણ
સિધ્ધપુરના નવાવાસ વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં ફટાકડા ફોડવાની બાબતમાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. જેમાં બંને જૂથના ઇસમો દ્વારા એકબીજા ઉપર પિસ્તોલ, તલવાર અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કરવા બાબતે સિદ્ધપુર પોલીસ મથકમાં બંને પક્ષના ફરિયાદીઓએ કુલ ૧૨ લોકો વિરૂદ્ધ સામસામી ફરિયાદ નોંધાવી છે. નોંધનીય છે કે સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટર કૈયુમખાન ઉસ્માન ખાન પોલાદી અને તેના પુત્ર વિરૂદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં કેટલાક ઈસમોને ઈજા થતાં તેમને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તેમજ આ મામલાની જાણ થતાં સિદ્ધપુર પોલીસ પણ સિવિલ હોસ્પિટલમાં દોડી ગઇ હતી. જૂથ અથડામણ મામલે નવાવાસ વિસ્તારની મહિલાઓએ પોલીસ મથકમાં એકઠા થઇ હોબાળો મચાવ્યો હતો જેને લઇ પોલીસના નાકે પણ દમ આવી ગયો હતો


