અમદાવાદ
૨૦૧૪ પહેલા જે હોસ્પિટલ બની કે બિલ્ડીંગ બની તેને બીયુ પરમિશન લેવા માટે તકલીફ પડી છે. મોટી હોસ્પિટલમાં જે નિયમો લાગુ કરવામાં આવ્યા તે જ નાના ક્લિનિક અને નર્સિંગ હોમ્સ માટે લાગુ કરવામાં આવ્યા છે. સરકાર અને કોર્પોરેશનને અપીલ છે કે જે ૪૦૦ હોસ્પિટલનું સી ફોર્મ રિન્યુઅલ નથી થયું તેમાં બીયુનો નિયમ રદ કરવામાં આવે અને ફરી ઉંડાણપૂર્વક વિચારણા કરવામાં આવે. નાના ક્લિનિક અને નર્સિંગ હોમ્સ માટે નિયમો માટે વિચારવાની જરૂર છે. તમામ હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી છે. તમામને કાયદા લાગુ પડે તે રીતે કરવું. જાે આ નિયમ રહેશે તો આગળ જતાં ૯૦૦ હોસ્પિટલ બંધ થશે. એટલે કે ૫૦ ટકા હોસ્પિટલો અમદાવાદમાં બંધ થઈ જશે. આટલી મોટી સંખ્યામાં એક સાથે ‘સી’ ફોર્મ રીન્યુ ન થવાથી આ તમામ નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને તાળા મારવાની નોબત આવી ગઈ છે. વર્ષ ૧૯૫૯થી ૨૦૨૧ સુધી હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સ રજીસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજાે આપતા આવેલ છે અને તેમનું સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવ્યું છે. ૨૦૨૧ ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજીયાત કરી દેવાયું છે જેના કારણે આ ગંભીર પરિસ્થિતી ઉભી થઈ છે. હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમ્સનું રજીસ્ટ્રેશન, સ્ટાફની લાયકાત તેમજ ડોક્ટર્સના ક્વોલિફિકેશનની ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે. ક્યારેય બી.યુ. પરમિશનની જરૂરિયાત ઉભી કરવામાં આવી નથી. આ ઉપરાંત બી.યુ.ની જરૂરિયાત ફક્ત અમદાવાદ ખાતે જ ઉભી કરવામાં આવી છે. અમદાવાદમાં અન્ય સેવાઓ માટે આવા રજીસ્ટ્રેશનની જરૂર નથી. રેસ્ટોરેન્ટ્સ માટે પણ આ નિયમને કોરાણે મુકી મંજૂરી આપવામાં આવી છે. ફક્ત નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલ્સને જ આ કાયદો કેમ લાગુ કરવામાં આવી રહ્યો છે? અમને અમારા ‘સી’ ફોર્મ રીન્યુ કરી આપવામાં આવે એવી અમારી માગણી છે. આ બાબતે અમે કોર્પોરેશનના અધિકારીઓ તેમજ રાજય સરકારને અસંખ્ય વાર રજુઆત કરેલી છે પરંતુ દિન સુધી નિવારણ આવ્યું નથી. સી ફોર્મ એટલે બોમ્બે નર્સિંગ એક્ટ મુજબ હોસ્પિટલનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે ત્યારે આ ફોર્મ ભરીને આપવાનું હોય છે. જેમાં હોસ્પિટલ અંગેના અને ડોક્ટરની માહિતી અંગેના સર્ટીફિકેટ સહિતની વિગતો રજુ કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સી.ફોર્મમાં નવો નિયમ અચાનક જ લાવી દેવામાં આવ્યો છે. જેમાં પહેલા સી ફોર્મમાં બીયુ પરમીશનના કાગળની જરૂરિયાત હતી નહીં પરંતુ કોર્પોરેશન દ્વારા આ બીયુ પરમિશનનો ફરજિયાત કાગળ રજુ કરવા માટે જણાવ્યું છે. સી ફોર્મના રીન્યુઅલમાં બીયુ પરમીશન કાગળ લાવવામાં હોસ્પિટલોને અત્યારે તકલીફ પડી શકે છે. કારણ કે અનેક એવી હોસ્પિટલો વર્ષો જુની બિલ્ડિંગોમાં છે જ્યાં બિયુ પરમીશન છે જ નહીં. જેથી જાે આ નિયમ લાગુ કરવામાં આવે તો અનેક હોસ્પિટલો બંધ થઈ શકે છે. રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, જેવા શહેરોમાં આ નિયમ લાગુ કરાયો નથી પરંતુ અમદાવાદ મ્યુનિ. દ્વારા આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. હોસ્પિટલ-નર્સિંગ હોમને મ્યુનિ.ના જન્મ-મરણ વિભાગ દ્વારા ધી બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ-૧૯૪૯ની કલમ પાંચ હેઠળ નોંધણી કર્યા બાદ સી ફોર્મ ઈશ્યૂ કરાય છે. મ્યુનિ. એ જે તે સમયે આપેલી નોટિસમાં ૪૨ હોસ્પિટલ-નર્સિંગ હોમના સી ફોર્મ રદ્દ કરવા ર્નિણય કર્યો હતો.
