Gujarat

સુરતના અઠવા અને રાંદેરમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા

સુરત
ત્રીજી લહેરની શરૂઆત સાથે જ પાલિકાએ બેઠકોનો દૌર શરૂ કર્યો છે. મંગળવારે પાલિકા કમિશનરની અધ્યક્ષતામાં અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં તમામ ઝોનલ ચીફોને જે રીતે બીજી વેવમાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી, એ રીતે કામગીરી શરૂ કરવા આદેશ કરાયા છે. માઇક્રો કન્ટેઇનમેન્ટ, બેરીકેટીંગ, ટેસ્ટીંગ, ટ્રેસીંગ, ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪, ૧૦૮ તમામ કામગીરી અસરકારક કરવા સુચના અપાઇ છે. શહેરમાં હાલમાં રોજ ૧૩૫૦૦ ટેસ્ટીંગ થઇ રહ્યા છે. જ્યારે માઇક્રો કન્ટેઇનમેન્ટની સંખ્યા વધીને ૩૨૭ પર પહોંચી છે.વિશ્વમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોનના કેસની સાથે કોરોના પોઝિટિવમાં પણ વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં ગત રોજ કોરોનાના ૪૨૪ કેસ નોંધાયા હતા. જેથી સુરત શહેર જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યામાં ૧૪૦૦ને પાર કરી ૧૪૧૩ પર પહોંચી ગઈ છે. ૩ જાન્યુઆરીના રોજ ૨૨૫ કેસ બાદ ગત રોજ ડબલ કેસનો વધારો નોંધાયો હતો. છેલ્લા ચાર દિવસમાં સિટીનો અઠવા ઝોન કોરોના એપી સેન્ટર બન્યો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ૪ દિવસમાં અઠવા ઝોનમાં ૪૧૯ કેસ નોંધાયા છે. ૪૦ ટકા કેસ અઠવા ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સાથે રાંદેર ઝોનમાં પણ કેસનો વધારો થઈ રહ્યો છે. ગત રોજ શહેરમાં ૪૧૫ અને જિલ્લામાં ૯ કેસ સાથે વધુ ૪૨૪ કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૪૫૬૮૯ થઈ ગઈ છે. એક પણ કોરોના દર્દીનું મોત નિપજ્યું ન હતું. અત્યાર સુધીમાં કોરોનાનો કુલ મૃતાંક ૨૧૧૮ થયો છે. શહેરમાંથી ૧૮ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં ૧૪૨૧૫૮ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને ૧૪૧૩ નોંધાઈ છે. ૧૮થી વધુ વયના વયસ્ક નાગરિકો માટે રસીકરણની કામગીરી પાલિકા દ્વારા યથાવત રાખવામાં આવી છે. કોવિશિલ્ડ રસીના પહેલા ડોઝ માટે ૩૦ સેન્ટર બીજા ડોઝ માટે ૮૨ સેન્ટર અને વિદેશ જનારા માટે ૨ સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જ્યારે કોવેક્સિન રસી માટે ૯ સેન્ટર શરૂ કરાયા છે. કુલ ૧૨૩ સેન્ટર પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. પહેલી-બીજી લહેર કરતાં હાલની ત્રીજી લહેરમાં સંક્રમણનો ટ્રેન્ડ બદલાયો છે. મંગળવારે શહેરમાં કોરોનાના નવા ૪૧૫ કેસ સામે આવ્યા હતા, જેમાં ૧થી ૧૭ વર્ષના ૭૩ બાળકો, ૧૮થી ૪૦ના ૧૫૧ યુવાનો, ૪૧થી ૬૦ના ૧૪૨ આધેડ જ્યારે ૬૦થી વધુના ૪૯ વૃધ્ધ સંક્રમિત થયા છે. આમ, બાળકો-યુવાનોને વધુ જાેખમ જણાઈ રહ્યું છે. નવા કેસમાં ૪૨ વિદ્યાર્થીઓ છે. વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. ૧૮ને રજા અપાઈ હતી. નવા દર્દીઓ પૈકી પાલના ગ્રીન સીટી એપાર્ટમેન્ટમાં ૬ અને નક્ષત્ર સોલિટરમાં ૩ છે, જે તમામ એક જ પરિવારના છે. પાલિકાએ બંને એપાર્ટમેન્ટને ક્લસ્ટર જાહેર કરી બંધ કરાવ્યા હતા.આ જ રીતે પીપલોદના ઓપેરા હાઉસમાં ૪ અને આવિષ્કાર રેસિડેન્સીમાં પણ ૪ લોકો પોઝિટિવ આવ્યા હતા જે એક જ પરિવારના છે. કતારગામમાં ગજેરા સર્કલની લક્ષ્મી સોસાયટીમાં પણ એક જ પરિવારના ૫ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *