સુરત
સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ખૂબજ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પરિણીતાએ પોતાના બે વર્ષના બાળક સાથે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવી છે. મહિલાએ બાળકને ઝેરી દવા આપી પોતો પણ ઝેર ગટગટાવી લેતા બંનેને સારવાર માટે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પહેલા પહેલા મહિલા અને બાદમાં બાળકનું મોત થયું હતું. બનાવ બાદ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે પરિવારના લોકોનું કહેવું છે કે ગરમીના દિવસોમાં મગજ બરાબર કામ ન કરતા મહિલાએ આવું પગલું ભર્યું હોઈ શકે છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડફિયા સર્કલ નજીક એક મહિલા તેના બે વર્ષના બાળક સાથે ઝેરી દવા પીધા બાદ બેભાન અવસ્થામાં મળી આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિકો ઝડફિયા સર્કલ પાસે એકઠા થયા હતા. ઘટનાની જાણકારી લોકોએ કાપોદ્રા પોલીસને આપતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે ધસી આવી હતી. જ્યાં મહિલા અને બાળક બેભાન હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. જે બાદમાં બાળકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ બાદ મહિલા અને બાળક ઓળખ માટે પોલીસની ટીમે આજુબાજુના વિસ્તારો અને સોસાયટીઓમાં તપાસ કરી હતી. બાદમાં પોલીસ મથકોમાં આ અંગે વાયરલેસ પર મેસેજ પાસ કર્યો હતો. આ જ સમયે સરથાણા પોલીસ મથક માં મહિલા અને બાળક ગુમ થવા અંગેની જાણ કરવા તેમના પરિવારના સભ્યો અને સબંધી પહોંચ્યા હતા. પોલીસે પરિવાર અને સંબંધીઓને સ્મીમેર હૉસ્પિટલ ખાતે જવાનું કહ્યુ હતુ. પરિવાર તાત્કાલિક હૉસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને મહિલા અને બાળકની ઓળખ થઈ હતી. મહિલાનું નામ ચેતના જીગ્નેશ ગજેરા અને તેમનો બે વર્ષનો પુત્ર અંશ હોવાનું બહાર આવ્યું હતું. ચેતના મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની હતા, તેમના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. ચેતનાનો પતિ પતિ હીરાના કામ સાથે સંકળાયેલો છે. ગરમીના દિવસોમાં ચેતનાનું મગજ બરાબર રહેતું ન હોવાથી આ પગલું ભર્યું હોવાની શકયતા પરિવારે દર્શાવી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પરિણીતાના પતિને પૂછપરછ કરતા એવી જાણકારી મળી હતી કે, ચેતનાએ ઘર બહાર જતા પહેલા પતિ સાથે વાતચીત કરી હતી. ચેતનાએ તેના પતિને જણાવ્યું હતું કે, પુત્રની તબિયત બરાબર નથી. ત્યારબાદ ચેતના પડોશીઓને કચરો નાખવા જવાનું કહીને પુત્રને લઇને ઘરની બહાર ગઇ હતી. જાેકે, ધણા સમય સુધી ચેતના ઘરે પરત ન આવતા પરિવાર સહિતના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. ચેતનાની કોઈ જ ભાળ ન મળ્યા બાદ પરિવારે સરથાણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો.
