સુરત
સુરતના ડુમસ રોડ સ્થિત સાસ્કમા કોલેજમાં એનએસયુઆઇ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે છુટાહાથની મારામારી થઇ હતી. એનએસયુઆઇના શહેર પ્રમુખને ખુરશી અને ફટકાથી માર મરાયો હતો. મામલો ઉમરા પોલીસમાં પહોંચ્યા બાદ સાંજે બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. સાસ્કમા કોલેજ પર પહોંચેલા એનએસયુઆઇના મયુર ધાનેકરને ખુરશી અને ફટકો મારતા પગમાં ફ્રેકચર થયું હતું. જ્યારે એબીવીપીના એક વિદ્યાર્થીને માથામાં ઇજા થઈ હતી. આચાર્ય આશિષ દેસાઇએ પોલીસને જાણ કરતા ઉમરા પોલીસ તમામને પોલીસ મથકે લઇ આવી હતી. જ્યાં બંને પક્ષે નેતાઓએ મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું. મયુરના જણાવ્યા પ્રમાણે એક વિદ્યાર્થિનીની છેડતી થઇ હતી. જેથી એબીવીપીના વિદ્યાર્થીને કહેવા જતા ઝઘડો થયો હતો. એબીવીપીએ કોલેજમાં નવા વિદ્યાર્થીઓને એનએસયુઆઇ દ્વારા જીએસ સહિતના અંગે ખોટી માહિતી આપીને પોતાની તરફ લેવાનો પ્રયાસ થતા વિવાદ થયો હોવાનું જણાવ્યું હતું. એબીવીપીઅને એનએસયુઆઇના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા મારામારીમાં પોલીસે દોડવુ પડ્યું હતું. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી કેમ થઇ અને કસુરવાર સામે કડક પગલા લઇ શકાય તે માટે કોલેજ દ્વારા તપાસ કમિટી બનાવી છે.

