સુરત
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે. સવારે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ ખાતે તેમની નજીકની વ્યક્તિની ખબરઅંતર પૂછવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા એ સમયે રિક્ષાચાલકને રિક્ષા સરખી ચલાવવાનું કહેતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે લાકડાના ફટકાના ત્રણ ઘા માર્યા હતા. ત્યાર બાદ ટોળું એકઠું થઈ ગયું હતું. ટોળું રિક્ષાચાલકને પકડવા દોડ્યું, પણ તે ભાગી ગયો હતો. સવારના સમયે કાપોદ્રા પોલીસ સ્ટેશનથી માત્ર ૫૦૦ મીટરના અંતરે અલ્પેશ કથીરિયા હોસ્પિટલ તરફ જવા નીકળ્યા હતા. અલ્પેશ કથીરિયા બાઈક પર સવાર હતા અને તેની આગળ રિક્ષાચાલક રિક્ષા ચલાવી રહ્યો હતો. બેફામ રીતે રિક્ષા ચાલવતા રિક્ષાચાલકને અલ્પેશ કથેરિયાએ રોકીને કહ્યું કે આવી રીતે કેમ રિક્ષા ચલાવે છે. સરખી રીતે ચલાવ. રિક્ષાચાલકે કહ્યું કે ઊભો રહે, એમ કહીને રિક્ષામાંથી લાકડાનો ફટકો કાઢી તેને ત્રણ ઘા માર્યા હતા. એને લઈને અલ્પેશ કથીરિયાને હાથમાં ઈજા થઈ હતી. પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપર કાપોદ્રા વિસ્તારમાં જ હુમલો થતાં ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. તેને ઈજા થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે.


