સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાઈ રહેલા કુલ કેસમાં સૌથી વધુ કેસ વઢવાણ તાલુકામાં આવી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. કારણ કે બીજી લહેરમાં પણ વઢવાણમાં જ સૌથી વધુ કેસ નોંધાયા હતા. બીજી લહેરમાં વઢવાણમાં ૩૨૯૪ કેસ નોંધાયા હતા અને ૪૨ જેટલાં મૃત્યુ થયાં હતાં. એ જ રીતે ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં ૧૦૩૬ કેસ થયા છે, તેમાં વઢવાણમાં સૌથી વધારે ૪૬૧ કેસ થયા છે. વઢવાણ શહેરની મુખ્ય બજાર, માર્કેટિંગ યાર્ડ સહિત અનેક પ્રકારની દુકાનો છે. જીઆઈડીસી વિસ્તારમાં પણ ગ્રામ્ય તેમજ બહારના લોકોની અવરજવર વધી છે. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં પાલિકા દ્વારા લોકોના રસીના સર્ટિફિકેટ, માસ્ક અંગેની કાર્યવાહી કરાઈ હતી, જેમાં જે લોકોએ માસ્ક ન પહેર્યા હોય તેવા ૫૦૦ને લોકોને માસ્ક અપાયા હતા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચમાં મોટી સંખ્યામાં અધિકારી સહિતના કર્મીઓ ફરજ બજાવી રહ્યાં છે. દિવસે દિવસે કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે એલસીબીના ૩ કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.સુરેન્દ્રરનગર જિલ્લામાં શનિવારે કોરોનાના ૧૪૪ કેસ નોંધાયા હતા, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૭૮ જ્યારે શહેરી વિસ્તારમાં ૬૬ જણા સંક્રમિત થયા હતા. શનિવારે ધ્રાંગધ્રામાં સૌથી વધુ ૪૦ અને વઢવાણમાં ૨૬ લોકો પૉઝિટિવ આવ્યા હતા. સતત ચોથા દિવસે કોરોના કેસનો આંકડો ૧૦૦ને પાર રહેતાં ૪ દિવસમાં જ ૫૪૬ કેસ નોંધાઈ ચૂક્યા છે.
