ગિરગઢડા
ભરત ગંગદેવ..
હરિ અને હરનું મિલન એટલે કે પ્રભાસ ક્ષેત્ર, આ પ્રભાસ ક્ષેત્ર એટલા માટે પણ ખાસ છે કારણકે અહીં જ હિરણ-કપિલા અને સરસ્વતી જેવી નદીઓનો ત્રિવેણી સંગમ ભેગો થાય છે. આ પવિત્ર ત્રિવેણી સંગમ સ્થાનનો શાસ્ત્રોક્ત મહિમા પણ અનેરો છે. જેમાં ડૂબકી લગાવી શ્રદ્ધાળુઓ પવિત્ર બને છે. આસ્થાના કેન્દ્ર સમાન એવા આ ત્રિવેણી સંગમના કિનારે ગંગા દશેરાની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જ્યેષ્ઠ શુક્લ દશમીના દિવસે રાજા ભગીરથ ગંગાને ધરતી પર લાવ્યા હતા. આ દિવસે ગંગા ધરતી પર પ્રગટ થઈ હતી. આ ખાસ દિવસને ગંગા દશેરાના રૂપમાં ઉજવાય છે.
આ ઉજવણીમાં ત્રિવેણી સંગમ ખાતે પ્રથમ વિવિધ પુષ્પો-દ્રવ્યો વગેરેથી પૂજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સૌ ભક્તોએ સ્વહસ્તે ત્રિવેણી સંગમની આરતી ઉતારી કૃતજ્ઞ થયાં હતાં. ગંગા દશેરાના આ ભક્તિમય પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સોમપુરા બ્રહ્મસમાજના પ્રમુખ દુષ્યંતભાઇ ભટ્ટ, ચંદ્રપ્રકાશભાઇ ભટ્ટ, ખારવા સમાજના અગ્રણી લખમભાઇ ભેસલા સહિત યાત્રિકો, તીર્થ પુરોહિતો તેમજ સ્થાનિક લોકો ધાર્મિક આયોજનમાં બહોળી સંખ્યામાં જોડાઈ ધન્ય બન્યા હતાં.


