WHO નાં આકડા મુજબ વર્ષ ૨૦૨૦માં વિશ્વમાં ૨૩ લાખ મહિલાઓમાં સ્તન કેન્સરનું નિદાન થયું હતું જે બાબતને ધ્યાને લઈ જામનગર જિલ્લામાં પણ સરકારી, અર્ધ સરકારી, તેમજ ખાનગી સંસ્થાઓનાં મહિલા સભ્યોમાં સ્તન કેન્સર તથા ગર્ભાશયના મુખનાં કેન્સર અંગે નિદાન તથા જાગૃતી લાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નિરામય ગુજરાતની ઉજવણી નિમિતે જામનગર શહેરના ટાઉન હોલ ખાતે કેન્સર જાગૃતી, પરીસંવાદ, અને તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલું નિદાન ત્વરિત સારવારનાં સૂત્રને સાર્થક કરતા ઉપરોક્ત કાર્યક્રમનાં પ્રથમ તબક્કામાં જિલ્લા આરોગ્ય વિભાગની ૧૦ ટીમો તેમજ જી.જી. હોસ્પિટલનાં તજજ્ઞ તબીબો દ્વારા ૪૮૭ બહેનોના સ્તન કેન્સર અંગેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ દરમ્યાન ૧૨ જેટલી મહિલાઓના ગર્ભાશય મુખના કેન્સરની તપાસ માટે પેપ સ્મીયરની તપાસ કરવામાં આવેલ. તેમજ વધુ તપાસ અર્થે આ તમામ ૧૨ બેહેનોને જી.જી. હોસ્પીટલમાં મોકલવામાં આવેલ. ઉપરોક્ત ૪૮૭ માંથી ૪ બહેનોને સ્તન કેન્સરની વધુ તપાસ માટે મેમોગ્રાફી કરાવવા જી.જી.હોસ્પિટલમાં રીફર કરાયેલ.કાર્યક્રમનાં આ પ્રથમ તબક્કામાં સ્ત્રી આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો, આશા ફેસેલીટેટર, અન્ય વિભાગના મહિલા કર્મચારીઓની પણ સ્તન કેન્સર અને ગર્ભાશયનાં મુખની તપાસ કરવામાં આવેલ અને આ પ્રકારનાં કેન્સરનાં લક્ષણોથી તેઓને માહિતગાર કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ગુજરાત સરકારનાં કેબીનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નર, સિચાઈ સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ વાડોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.ગાગિયા, જી.જી.હોસ્પિટલનાં ડો.શિલ્પાબેન ચુડાસમા, ગાયનેક વિભાગનાં ડો.નલીની આનંદ, ડો.જતીન દેસાઈ, ડો.નુપુર કુમારી પ્રસાદ, આર.સી.એચ.ઓ. સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં હાજર મહિલાઓને તજજ્ઞ તબિબો દ્વારા સ્તન કેન્સર અને ગર્ભાશયનાં મુખનાં કેન્સર, સ્તન કેન્સરનાં પ્રાથમિક લક્ષણો, મહિલાઓને મુંજવતા પ્રશ્નો, ઉપચાર ઉપરાંત નિદાન પદ્ધતિ તેમજ કેન્સર જાગૃતિ અંગે સવિસ્તાર માહિતગાર કરેલ.


