શક્તિનગર
હળવદ-અમદાવાદ હાઈ-વે પર શક્તિનગર ગામ નજીક હળવદ તાલુકાના લીલાપુરથી ટ્રેક્ટરમાં મગફળી ભરી હળવદ યાર્ડમાં ખેત શ્રમિકો વેચવા માટે આવી રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલા ટ્રકે ટક્કર મારતાં ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા યુવાનો ટ્રોલી પલટી મારી જતા નીચે દબાઈ ગયા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો. બનાવની મળતી વિગત મુજબ, છોટાઉદેપુર જિલ્લાના રંગપુર ગામના જાેરીયાભાઈ નારણભાઈ ધાનુક મજુરી કામ માટે હળવદ તાલુકાના લીલાપુર ગામના અશ્વિનભાઈની વાડીએ આવ્યા હતા. જાેરીયાભાઈ અને પુનાભાઈ સાથે ટ્રેક્ટરના ડ્રાઇવર મગફળી લઈ હળવદ યાર્ડમાં વેચવા માટે જઇ રહ્યા હતા. ત્યારે શક્તિનગર ગામ પાસે હાઇ-વે પર પાછળથી આવી રહેલા ટ્રકચાલકે ટ્રેક્ટરને ટક્કર મારતા ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠેલા જાેરીયાભાઈ નારણભાઈ ધાનુકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પુનાભાઈને ઇજા થતાં મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.


