આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકો સુરક્ષા વીભાગના ગુજરાત રાજ્યના મંત્રી શ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા કોમ્યુનિટી હોલ, વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લા પુરવઠા તંત્રની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ કાર્યક્રમમાં મંત્રી શ્રીએ એફપીએસ તેમજ પેટ્રોલપંપ ડીલર્સ એસોસિએશનના હોદ્દેદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળી હકારાત્મક અભિગમ સાથે સમાધાન લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલે મંત્રીશ્રીનું મોમેન્ટો આપી સ્વાગત કર્યુ હતું. જે પછી એફપીએસ શોપ તેમજ પેટ્રોલ પંપ એસોસિએશનના હોદ્દેદારોએ ભગવાન શ્રી સોમનાથની પ્રતિકૃતિ આપી અભિવાદન કર્યું હતું.
આ તકે મંત્રી શ્રીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં પણ કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબોની ચિંતા કરી હતી. ગરીબ અને છેવાડાના માનવી સુધી આપ જેવા ડીલર્સ એસોસિએશનની મદદથી લાંબા સમય સુધી મફત અનાજ મળી રહે તેવી સુવ્યવસ્થા ગોઠવી હતી. ગુજરાત રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા સમગ્ર રાજયમાં લાભાર્થીઓને નિયમિત રીતે જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. કોરોનાકાળની મહામારીમાં આપણને ઘણું જ શીખવા મળ્યું છે. અનાજ વિતરણ વ્યવસ્થાની સરકારની સુવ્યવસ્થિત નીતીથી છેવાડાના અને ગરીબ વ્યક્તિઓ સુધી અનાજ પહોંચે એવી સરકારની નેમ છે. અનાજની બાબતમાં સસ્તુ છે એટલે ખરાબ હશે એવી છાપ સરકારે દૂર કરી છે. કોરોના કાળમાં દુકાનદારોએ પણ સરકારની ગાઈડલાઈન મુજબ પાલન કરી વ્યવસ્થિત વિતરણ યોજના ગોઠવી સફળ કામગીરી દર્શાવી ભૂખમરો ઊભો થતા અટકાવ્યો હતો. અનાજ પર ડીલરના કમિશનમાં ૪૨%નો વધારો કરી રૂ.૧૦૮ની જગ્યાએ ૧૫૦ રૂ. કર્યા છે. એક વર્ષની અંદર ઉજ્જવલા યોજના ૨.૦ અંતર્ગત ગીર સોમનાથમાં આશરે ૪૦૦૦૦ કરતા વધારે નવા કનેક્શન આપવામાં આવ્યાં છે. જે ખુશીની વાત છે. ઉપરાંત કોરોનાકાળમાં કપરી કામગીરી પાર પાડવા બદલ મંત્રી શ્રીએ ઉપસ્થિત તમામ ગેસ,અનાજ અને પેટ્રોલ-ડીઝલ એસોસિએશન્સનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમારે મા અન્નપૂર્ણા યોજનાનો ઉલ્લેખ કરી કોરોનાકાળમાં એફપીએસ સંચાલકોની કપરી કામગીરીને બિરદાવી હતી તો વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પિયૂષભાઇ ફોફંડીએ સરકારની વિવિધ સુવિધાઓ જન જન સુધી પહોંચી રહી છે અને જે લોકો સુધી સુવિધા પહોંચવાની બાકી છે ત્યાં વધુ પ્રયત્નોથી સરકાર પહોંચશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના કુલ ૬ તાલુકામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય વાજબી ભાવની દુકાનોની સંખ્યા ૩૦૫ છે ઉપરાંત સમગ્ર જિલ્લામાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના તાલુકા વાઈઝ એક-એક એમ કુલ ૬ ગોડાઉન છે. જેની મદદથી રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા સમગ્ર રાજયમાં લાભાર્થીઓને નિયમિત રીતે આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજા, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ આલ, તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઈ તેમજ અગ્રણીઓ વિક્રમભાઈ પટાટ, હરદાસભાઈ સોલંકી ઉપરાંત ફેર પ્રાઈસ શોપ (FPS)ના સંચાલકો, ગેસ એજન્સી તેમજ પેટ્રોલ-ડીઝલપંપના સંચાલકો અને જિલ્લાના જુદા-જુદા એસોસિએશનના વડાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


