Gujarat

૨૭ કરોડની ઠગાઈ સામે પાલ મંડળીના પૂર્વ ચેરમેન સહિત ૩ સામે ગુનો

સુરત
ડાંગરની કરોડોની રકમ મુદ્દે ૨૦૨૦માં ૧૪ સભાસદે રાજીનામા આપતા પૂર્વ ચેરમેન જયેશ પટેલે બાંહેધરી આપી કે પ્રજ્ઞેશ નાણાં ન આપે તો હું મારી મિલકત વેચી રૂપિયા ભરી દઈશ. જેથી ૧૪ સભાસદે રાજીનામા ખેંચી લીધા હતા. ત્યાર પછી પણ કરોડોની રકમ ચુકવણી ન કરતા આખરે સભાસદોએ રાજીનામા આપ્યા હતા. જેના કારણે વર્ષ ૨૦૨૧માં મંડળીની ચૂંટણી થઈ જેમાં જયેશ પટેલ હારતા નરેશ પટેલ ચેરમેન બન્યા હતા.જહાંગીરપુરા ધી પાલ ગ્રુપ કો.ઓ.કોટન સેલ સોસાયટી લિ.(સહકારી મંડળી)ના પૂર્વ ચેરમેન જયેશ પટેલની સાંઠગાઠમાં નવસારીના દંપતીએ ૨૭.૭૬ કરોડનો ડાંગરનો પાક ક્રેડિટથી ખરીદી નાણાં ચૂકવ્યા ન હતા. જેથી ૨ વર્ષથી ૫૪૪૯ ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે ખેડૂતોના કરોડોના નાણાં ડૂબી જતા મંડળીએ પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે જહાંગીરપુરા ધી પાલ ગ્રુપ કો.ઓ.કોટન સેલ સોસાયટી લિ.ના મેનેજર સુરેશ ભવન પટેલની ક્રાઇમબ્રાંચે મંગળવારે ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે જહાંગીરપુરા ધી પાલ ગ્રુપ કો.ઓ.કોટન સેલ સોસાયટી લિ (સહકારી મંડળી)માં પૂર્વ ચેરમેન અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ શંકર પટેલ ઉર્ફે જયેશ પાલ (રહે.જય જલારામ સોસા,તાડવાડી,રાંદેર,મૂળ રહે,દિહેણ,ઓલપાડ) અને ડાંગરનો પાક ખરીદનાર વેપારી તેમજ શ્રી સાંઇ હસ્તી એગ્રો પ્રોડકટ લિ.ના ડિરેકટર પ્રજ્ઞેશ રમેશચંદ્ર નાયક અને તેની પત્ની મોના પ્રજ્ઞેશ નાયક (બંને રહે. સુપા(કુરેલ),નવસારી)સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ ઈકો સેલના નાયબ પોલીસ અધિક્ષક વી.કે.પરમારને સોંપવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જહાંગીરપુરા ધી પાલ ગ્રુપ કો.ઓ.કોટન સેલ સોસાયટી લિ.માં જયેશ પટેલ તા. ૧-૪-૨૦૧૬ થી તા. ૩૧-૩-૨૦૨૧ સુધી ચેરમેન હતા. તે સમયે શ્રી સાંઈ હસ્તી એગ્રોપ્રોડકટ લિ.ના ડિરેકટર પ્રજ્ઞેશ અને પત્ની મોના નાયકે ડાંગરનો પાક ખરીદી વ્યાજ સહિત ૨૭.૭૬ કરોડ ચૂકવ્યા ન હતા. જેથી ત્રણેય વિરૂધ્ધ ઠગાઈની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *