યમુનાનગર
હરિયાણાના યમુનાનગરમાં સ્કૂલ ટીચર પર ફરીથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. આ વખતે ઘટના ડીએવી પબ્લિક સ્કૂલમાંથી સામે આવી છે. આરોપ છે કે, ડીએવી પબ્લિક સ્કૂલના શિક્ષકોએ ચોટી રાખવા અને માથા પર તિલક લગાવીને આવતા વિદ્યાર્થીઓના ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપી છે. આ વાતથી પીડિત વિદ્યાર્થીઓ ડરી ગયા છે. તેમણે ઘરે આવીને પોતાના વાલીઓને આપબીતી સંભળાવી હતી, જેને લઈને પરિવારના લોકો ખૂબ જ નારાજ છે. જાેત જાેતામાં મામલો હિન્દુ સંગઠનો સુધી પહોંચી ગયો અને ગુસ્સે થયેલા હિન્દુ સંગઠનના લોકો વાલીઓ સાથે સ્કૂલમાં પહોંચી ગયા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આચાર્યએ શાણપણ વાપરીને સ્કૂલના શિક્ષકોની ભૂલ સ્વિકારી અને માફી માગી મામલો શાંત પાડ્યો હતો. વાલીઓના જણાવ્યા અનુસાર, તેમના બાળકો ૧૧માં અને ૧૨માં ક્લાસમાં ભણે છે. ઘરથી મળેલા સંસ્કારોને લઈને તેઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિથી પ્રેરાઈને માથે તિલક અને ચોટી રાખતા હોય છે. જાે કે, શાળામાં આવતા બાળકોને શિક્ષકોએ ચોટી અને તિલક લગાવીને નહીં આવવાની ધમકી આપી હતી, જાે આવું કરશે તો એસિડ ફેંકવાની ધમકી આપી હતી. અહીં ઉલ્લેખનિય છે કે, બે મહિના પહેલા પણ આ પ્રકારની ઘટના કેમ્પની સરકારી સ્કૂલમાં થઈ હતી અને હિન્દુ સંગઠન દ્વારા સ્કૂલ પ્રાંગણમાં જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ આરોપી શિક્ષકે માફી માગી લોકોનો ગુસ્સો શાંત કર્યો હતો.