શિમલા
હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. આજે કાંગડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધિત કરી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે એક વખત કોંગ્રેસ અહીંથી ગઈ તો ફરી પાછી નથી આવી. જનતા બધું જાણે છે અને આ વખતે પણ ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે તૈયાર છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હિમાચલમાં સ્થિર સરકાર હશે અને તેમની પાસે ડબલ એન્જિનની તાકાત હશે,તો હિમાચલ પડકારોને પાર કરશે અને નવી ઊંચાઈઓને પણ સ્પર્શ કરશે. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસનો આધાર હજુ પણ પરિવારવાદ છે. આવી પાર્ટી હિમાચલના સપના અને આકાંક્ષાઓને પૂર્ણ કરી શકતી નથી. કોંગ્રેસની સરકાર માત્ર બે રાજ્યોમાં છે અને ત્યાંથી માત્ર અપરાધના સમાચારો આવે છે. જાે આવી પાર્ટી હોય તો કોઈ રાજ્યનો વિકાસ થઈ શકે નહીં. કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એટલે અસ્થિરતા, ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં અવરોધની ગેરંટી છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, હું હિમાચલ પ્રદેશ ભાજપને આટલું સારું ઘોષણાપત્ર બનાવવા માટે શુભેચ્છા પાઠવું છું. આ ઘોષણાપત્ર હિમાચલના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. હિમાચલ ભાજપના ૧૧ શુભ સંકલ્પો હિમાચલના વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું, “કેન્દ્ર સરકારે ઉજ્જવલા યોજના શરૂ કરી, હિમાચલની ભાજપ સરકારે ગૃહિણી યોજના ચલાવીને તેમાં વધુ લોકોને ઉમેર્યા. કેન્દ્ર સરકારે આયુષ્માન યોજના શરૂ કરી, હિમાચલની ભાજપ સરકારે હિમકેર યોજનામાં વધુ લોકોને ઉમેર્યા. આ રીતે ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે.” પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ઉત્તરાખંડના લોકોએ પણ જૂની પરંપરા બદલી અને ભાજપને જીત અપાવી. ઉત્તર પ્રદેશમાં પણ ૪૦ વર્ષ પછી એવું બન્યું છે કે જ્યારે કોઈ પાર્ટી ફરીથી જીતી અને સંપૂર્ણ બહુમતી સાથે સતત બીજી વખત સરકારમાં આવી. મણિપુરમાં પણ ફરી ભાજપની સરકાર આવી છે.


