Jammu and Kashmir

અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા સ્થિતિની સમીક્ષા

જમ્મુકાશ્મીર
જમ્મુ-કાશ્મીરમાં હિન્દુઓ તથા અન્ય રાજ્યના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. તેવામાં આગામી મહિને શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા વ્યવસ્થા સ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મંગળવારે એક બેઠક મળવાની છે. આ બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. બેઠકમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા, જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારી, ડાયરેક્ટર જનરલ સીઆરપીએફ તથા કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લેવાના છે. કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર છેલ્લા એક સપ્તાહ દરમિયાન આ બીજી બેઠક હશે. આ પહેલાં ૧૩ મેએ કેન્દ્રીય ગૃહ સચિવ એકે ભલ્લાએ જમ્મુ-કાશ્મીરના વરિષ્ઠ નાગરિક અને પોલીસ અધિકારીઓ તથા કેન્દ્રીય અર્ધસૈનિક દળોના વરિષ્ઠ અધિકારીઓ સાથે એક બેઠકમાં સુરક્ષા સ્થિતિની માહિતી મેળવી હતી. દિલ્હીમાં યોજાનારી આ બેઠક પહેલા ડાયરેક્ટર જનરલ સીઆરપીએફ પંકજ સિંહે પ્રદેશના વિવિધ ભાગનો પ્રસાવ કરી, સીઆરપીએફ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થિતિનું નિરીક્ષણ કર્યુ છે. તેઓ આજે સવારે શ્રીનગરથી દિલ્હી પરત ફર્યા છે. દિલ્હી પરત ફરતા પહેલા તેમણે બાલટાલ, નુનવન અને પવિત્ર ગુફાનો પ્રવાસ કરી શ્રી અમરનાથની વાર્ષિક તીર્થયાત્રાના સંદર્ભમાં કરવામાં આવી રહેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ હતું. સમુદ્ર સપાટીથી આશરે ૩૮૮૮ મીટરની ઉંચાઈ પર સ્થિત શ્રી અમરનાથની પવિત્ર ગુફાની વાર્ષિક તીર્થયાત્રા ૩૦ જૂનથી શરૂ થઈ રહી છે. તેમાં આશરે ૮ લાખ શ્રદ્ધાળુઓના સામેલ થવાની આશા છે. આતંકી સંગઠન ટીઆરએફે તીર્થયાત્રા પર હુમલાની ધમકી આપી છે. યાત્રામાં વિઘ્ન પાડવા અને કાશ્મીરમાં માહોલ ખરાબ કરવાના ષડયંત્ર હેઠળ આતંકીઓએ ફરી ટાર્ગેટ કિલિંગનો સિલસિલો શરૂ કર્યો છે. પાછલા સપ્તાહે એક પોલીસકર્મી રિયાઝ અહમદ ઠોકરને તેના ઘરની બહાર મોતને ઘાટ ઉતાર્યા બાદ હિન્દુ સરકારી કર્મચારી રાહુલ ભટની હત્યા કરી હતી. આતંકી ઘટનાઓ વધવાથી ઘાટીમાં સુરક્ષા સ્થિતિ પર સવાલ ઉઠવા લાગ્યા છે અને લોકોમાં ડરનો માહોલ છે. અધિકારીઓએ જણાવ્યું કે ગૃહમંત્રીની અધ્યક્ષમાં યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દિલ્હી પહોંચી ગયા છે. મુખ્ય સચિવ ડો અરૂણ કુમાર મેહતા, ડીજીપી દિલબાગ સિંહ અને જમ્મુ-કાશ્મીર પોલીસની ગુપ્તચર વિંગની કમાન સંભાળી રહેલા એડિશનલ પોલીસ ડાયરેક્ટર આરઆર સ્વૈન આજે દિલ્હી પહોંચ્યા છે. સીઆરપીએફના ડાયરેક્ટર જનરલ પણ આજે દિલ્હી પહોંચ્યા છે. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીર સહિત અમરનાથ યાત્રાના સંદર્ભમાં સુરક્ષા વ્યવસ્થા પર ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *