શ્રીનગર
કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ કેન્દ્રની ભાજપ સરકારને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી કાશ્મીરનો મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં ગમે તેટલી સેના તૈનાત કરે, અહીં કંઈપણ બદલાવવાનું નથી. મહેબૂબાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યું કે સરકારે હુમલાખોરો જેવું વર્તન ન કરવું જાેઈએ કારણ કે કાશ્મીરના લોકો જાણે છે કે તેમને કેવી રીતે ભગાડવાના છે. વધુમાં કહ્યું, ‘હું ભાજપને કહેવા માંગુ છું કે જ્યારે હુમલાખોરો પાકિસ્તાનથી આવ્યા હતા, ત્યારે ભારતીય સેના અહીં પહોંચી શકી નહોતી. આમ છતાં લોકોએ હુમલાખોરોને ભગાડ્યા હતા. તેથી હુમલાખોર ન બનો, કાશ્મીરી લોકો જાણે છે કે તેમને કેવી રીતે ભગાડવાના છે’. પાર્ટીના યુથ સંમેલનમાં ભાષણ આપતી વખતે મહેબૂબાએ એમ પણ કહ્યું કે કાશ્મીર બંધારણ દ્વારા ભારત સાથે જાેડાયેલું છે, પરંતુ ભાજપે બંધારણને જ ખતમ કરી દીધું છે. ભારત ભાજપનું નથી. અમે કાશ્મીરને ભાજપનું ભારત નહીં બનવા દઈએ. મહેબૂબા મુફ્તીએ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી પણ અહીં પંચાયત ચૂંટણી કરાવવા માટે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે કે જાે આ ચૂંટણીઓ આટલી સારી છે તો કેન્દ્રની ટોપની લીડરશીપ આ ચૂંટણીઓમાં કેમ ઊભી નથી થતી? મહેબૂબાએ કહ્યું, ‘અમે તમારી સાથે સંવિધાન દ્વારા સંબંધ જાેડ્યા હતા, જેણે તમે ખતમ કરી દીધા છે. તમે અમારા સન્માન સાથે રમ્યા. આ કામ નહીં કરે. જાે તમે આખી દુનિયાને કહી શકો કે તમે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા અને બંધારણને નાબૂદ કરી દીધું છે, પરંતુ પંચાયતની ચૂંટણીઓ કરાવી છે, તો તમારે કેન્દ્ર સરકારમાં તમારા ઉચ્ચ હોદ્દા પરથી રાજીનામું આપીને પંચાયતની ચૂંટણી જ લડવી જાેઈએ.આ સંમેલનમાં હાથમાં યુથ ફોર યુનિટીના બોર્ડ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સપનાના ભારતનો ઉલ્લેખ કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે તેઓ એ ભારતની વાત કરે છે જેને રાહુલ ગાંધી શોધી રહ્યા છે. મહેબૂબાએ કહ્યું, ‘કાશ્મીરી લોકો પૂછે છે કે મેં કાશ્મીરને કયા દેશ સાથે જાેડ્યું અને શા માટે? હું કહેવા માગુ છું કે જ્યારે હિન્દુ-મુસ્લિમ ધર્મના નામે લડતા હતા ત્યારે કાશ્મીર એકમાત્ર એવી જગ્યા હતી જ્યાં બહુમતી મુસ્લિમ સમુદાયે કાશ્મીરી પંડિતો અને હિન્દુઓ-શીખોના જીવ બચાવ્યા હતા. હું આજના ભારતની વાત નથી કરી રહી, પરંતુ મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી અને જવાહરલાલ નેહરુના પૌત્ર રાહુલ ગાંધી જે ભારત શોધી રહ્યા છે તેની વાત કરૂં છું. હું મહાત્મા ગાંધી અને નેહરુએ સાથે મળીને બનાવેલા ભારત વિશે વાત કરું છું.
