જમ્મુકાશ્મીર
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે એનકાઉન્ટર ચાલુ છે. કુલગામના ખાંડીપોરા વિસ્તારમાં અથડામણમાં શુક્રવાર-શનિવાર સવારે શરુ થઈ. લેટેસ્ટ માહિતી મુજબ સુરક્ષાબળો સાથે અથડામણ દરમિયાન પ્રતિબંધિત આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન(એચએમ)નો એક આતંકવાદી ઠાર મરાયો છે. એનકાઉન્ટરની અપડેટ આપતા કાશ્મીર ઝોન પોલિસે શનિવાર(૧૧ જૂન) ટિ્વટ કરીને કહ્યુ, ‘પ્રતિબંધિત આતંકી સંગઠન એચએમનો ૧ આતંકવાદી માર્યો ગયો. ઑપરેશન ચાલુ છે.’પોલિસને ખાંડીપોરામાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. પોલિસના જણાવ્યા મુજબ માહિતી મળ્યા બાદ સમગ્ર વિસ્તારને કૉર્ડન કરી લેવામાં આવ્યો હતો. વાહનોની અવરજવરના તમામ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યુ હતુ કે સોપોર વિસ્તારમાં ગુરસીરમાં પોલિસ, સીઆરપીએફ અને સેના દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત ચેક પોસ્ટ નજીક ગુરુવારે મોડી રાતે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આતંકવાદીઓ પાસેથી વાંધાજનક સામગ્રી, હથિયારો અને દારુગોળો પણ મળી આવ્યો હતો.
