ઝારખંડ
ઝારખંડના દેવઘર જિલ્લામાં બે એમઆઈ-૧૭ હેલિકોપ્ટર બચાવ અભિયાનમાં સામેલ છે. જ્યાં અનેક લોકો દુર્ઘટનાના કારણે રોપવે ટ્રોલીમાં ફસાઈ ગયા છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે. નોંધનીય છે કે હેલિકોપ્ટરથી દોરડાના સહારે જવાનો રોપવે ટ્રોલી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ રોપવેના તારના કારણે હેલિકોપ્ટરને સમસ્યા આવી રહી છે. ભારતીય વાયુસેનાની ટીમ સતત બચાવ કાર્યમાં લાગી છે. હજુ પણ ૪૮ લોકો અલગ અલગ ટ્રોલીઓમાં લગભગ ૨૦૦૦ ફૂટની ઊંચાઈએ ફસાયેલા છે. રવિવારે સાંજે આ દુર્ઘટના ઘટી હતી. ત્યારથી લોકો ત્યાં ફસાયેલા છે. આ લોકો સુધી એક ખાલી ટ્રોલી દ્વારા બિસ્કિટ અને પાણીના પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે રવિવારે સાંજે લગભગ ૬ વાગે દેવઘરના ત્રિકુટ પર્વત પર રોપવેનો એક તાર તૂટી જવાના કારણે આ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં જીવ ગુમાવનારી એક મહિલાની ઓળખ સુરા ગામની રહીશ ૪૦ વર્ષની સુમતિ દેવી તરીકે થઈ છે. રામનવમીના અવસરે અહીં સેંકડો લોકો ફરવા માટે આવ્યા હતા અને રોપવે ટ્રોલીમાં બેઠા હતા. અચાનક રોપવે ટ્રોલીઓ એક બીજા સાથે ટકરાઈ જેના કારણે આ અકસ્માત સર્જાયો. ઘટનાસ્થળે હાજર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ અકસ્માત થયો તે વખતે એક ટ્રોલી ઉપર જઈ રહી હતી અને બીજી ટ્રોલી નીચે આવી રહી હતી. તે દરમિયાન બંને ટ્રોલીઓ એક બીજાના સંપર્કમાં આવી જેના કારણે તેમાં ટક્કર થઈ. હાલ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. બે ટ્રોલીઓ ટકરાયા બાદ અન્ય ટ્રોલીઓ પણ પોત પોતાની જગ્યાએથી હટી ગઈ જેના કારણે તે પણ પથ્થર સાથે ટકરાઈ. અકસ્માત બાદ દેવઘરના જિલ્લા કલેક્ટર મંજૂનાથ ભૈજંત્રીએ કહ્યું કે રોપવે સર્વિસ બંધ કરી દેવાઈ છે અને ઘાયલોને સારવાર માટે દેવઘરની હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે ત્રણ શિખરોનો પર્વત હોવાને કારણે તેનું આ પર્વતનું નામ ત્રિકુટ પર્વત છે. દેવઘરથી લગભગ ૧૩ કિમી દૂર દુમકા રોડ પર આવેલો છે જ્યાં પર્યટન માટે રોપવે સેવા છે. ત્રિકુટ રોપવે ભારતની સૌથી ઊંચી રોપવે સર્વિસ છે. ઝારખંડના દેવઘરમાં થયેલા રોપવે અકસ્માતમાં અત્યાર સુધીમાં ૨ મહિલાઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે રેસ્ક્યૂ વર્ક દ્વારા ફક્ત ૮ લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા છે. હજુ પણ ૪૮ લોકો ફસાયેલા છે. ત્રિકુટ રોપવે અકસ્માતમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવા માટે ભારતીય સેનાના જવાન હેલિકોપ્ટર દ્વારા મદદમાં લાગેલા છે.


