ઝારખંડ
મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ શુક્રવાર સવારે આઇએએસ અધિકારી પૂજા સિંઘલના મની લોન્ડરિંગ કેસમાં દેશમાં એક સાથે ૨૦ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ઇડીએ દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં કેશ જપ્ત કરી છે. ઇડીની ટીમે મની લોન્ડરિંગ કેસમાં સવારે ૬ વાગ્યે નવી દિલ્હી, મુંબઇ, જયપુર, ફરીદાબાદ, ગુરુગ્રામ, મુઝફ્ફરપુર, રાંચી સહિત અન્ય શહેરોમાં દરોડા પાડ્યા હતા. પુજા સિંઘલના બીજા પતિ અભિષેકની મલ્ટી સુપર સ્પેશિયલિટી હોસ્પિટલ સહિત ૬ જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. પૂજાના પહેલા પતિ ૧૯૯૯ બેંચના ઝારખંડના આઇએએસ અધિકારી છે. ઇડીએ પૂજા સિંઘલના ચાર્ટર્ડ એકાઉન્ટની ઓફિસથી ૨૫ કરોડ રૂપિયા કેશ જપ્ત કર્યા હતા. એક જુનિયર એન્જિનિયર રામ વિનોદ પ્રસાદ સિન્હાના નિવેદન બાદ ઇડીએ દરોડા પાડ્યા હતા. સિન્હા હાલ ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોની કસ્ટડીમાં છે. સિન્હાએ અધિકારીઓને જણાવ્યું હતું કે, સિંઘલના બે એન્જીઓ, વેલ્ફેર પોઇન્ટ અને પ્રેરણા નિકેતને ૬ કરોડ રૂપિયા ફંડ આપવાની ફરજ પાડી હતી. એટલું જ નહીં પર્યાવરણ નિયમોનું ઉલ્લંઘન કરતા ૮૩ એકર વન જમીન પર માઈનિંગ લીઝ આપવામાં આવી હતી. પૂજા સિંઘલ પર ચતરા, પલામુ, ખુંટી જિલ્લામાં ડેપ્યુટી કમિશનર રહીને મનરેગામાં ગેરરીતિ આચરવાનો પણ આરોપ છે. ગોડ્ડા તરફથી ભાજપના લોક સભા સભ્ય નિશિકાંત દુબેએ આઇએએસ અધિકારી પર ઈડીની કાર્યવાહીની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, તેઓ મુખ્યમંત્રી હેમંત સોરેનની વાદળી આંખવાળા અમલદાર છે. પૂજા સિંઘલે સીએમના ભાઈ અને તેમના નજીકના સંબંધીઓને ખાણો ફાળવવાનું દબાણ કર્યું હોવાનો દુબેએ આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ ઇડીએ ધનબાદમાં કોલસા કારોબાર અને ગેરકાયદે કોલસા ખાણકામની નવ આઉટસોર્સિંગ કપંનીઓ પર દરોડા પાડ્યા હતા. પૂજા સિંઘલ ઝારખંડ રાજ્ય ખનિજ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર છે.
