કર્ણાટક
સાઉથ એક્ટર ચેતન કુમારે હિજાબ વિવાદની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટની પેનલના જજ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા અભિનેતા ચેતન કુમારને હવે જામીન મળી ગયા છે. જાે કે વીકએન્ડના કારણે કોર્ટ બંધ હોવાથી હવે અભિનેતાને સોમવારે જામીન આપવામાં આવશે. મંગળવારે બેંગલુરુ પોલીસે આ કેસમાં કન્નડ ફિલ્મ અભિનેતા ચેતન કુમારની ધરપકડ કરી હતી. ચેતન કુમારની પત્ની મેઘાએ તેના ફેસબુક પેજ પર આ સમાચારની માહિતી પોસ્ટ કરી છે. ચેતન કુમારની પત્નીએ પોસ્ટ પર ચાહકોને માહિતી આપી હતી કે- ‘અમે ૨૩ ફેબ્રુઆરીએ જામીન પર સુનાવણી કરી હતી. જેના માટે આદેશ આજે (૨૫ ફેબ્રુઆરી) માટે અનામત રાખવામાં આવ્યો હતો. અમને આ સમાચાર આપ સૌ સાથે શેર કરતા આનંદ થાય છે કે ચેતનને જામીન મળી ગયા છે. તેમને ૨૫મીએ ૫.૪૦ મિનિટે જામીન આપવામાં આવશે. જાે કે ટેક્નિકલ ઔપચારિકતાઓને કારણે જામીન હજુ આપવામાં આવશે નહીં. કારણ કે સપ્તાહના અંતે કોર્ટ બંધ રહે છે. બાકીની કાર્યવાહી સોમવારે કરવામાં આવશે. આવી સ્થિતિમાં ચેતન ત્યાં સુધી કસ્ટડીમાં રહેશે.” સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે “એક દિવસ માટે પણ આઝાદી છીનવી લેવી ખૂબ જ વધારે છે”. અમે આશા રાખીએ છીએ કે તેની જામીનમાં વધુ વિલંબ નહીં થાય. તમારા સતત સમર્થન માટે આપ સૌનો આભાર.’ અભિનેતા ચેતન કુમારે કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ અભિનેતા વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી અને ત્યારબાદ એફ.આઈ.આર.ના આધારે અભિનેતાની ધરપકડ પણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ચેતન કુમાર વિરુદ્ધ કલમ ૫૦૫ અને ૫૦૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેર શાંતિ ભંગ કરવા માટે કલમ પણ લગાવવામાં આવી હતી. અભિનેતાએ જસ્ટિસ કૃષ્ણા દીક્ષિત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જે હાલમાં હિજાબ કેસની સુનાવણી કરી રહેલી બેન્ચનો ભાગ છે.
