કર્ણાટક
કર્ણાટકમાં એક દુખદ ઘટના સામે આવી છે. કર્ણાટકમાં બનેલી એક ઘટનામાં બે માસૂમ બાળકીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. માહિતી મળી છે કે આ બે બાળકીઓ હાઈડ એન્ડ સીક એટલે કે સંતાકૂકડીની રમત રમી રહી હતી. આ બાળકીઓ રમવામાં વ્યસ્ત હતી. તે દરમિયાન જ તેમની સાથે આ અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર આ ઘટના મૈસુરના નંજનગુડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે. મૃત્યુ પામેલી બંને બહેનોના નામ કાવ્યા નાયક અને ભાગ્યા નાયક છે. તેમાંથી કાવ્યા ૫ વર્ષની હતી. જ્યારે ભાગ્યા ૧૧ વર્ષની હતી. આ અકસ્માત ૨૭ એપ્રિલ બુધવારે સવારે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને છોકરીઓ તેમના ઘરની નજીક પડોશી બાળકો સાથે સંતાકૂકડીની રમત રમી રહી હતી. બાળકો રમતમાં વ્યસ્ત હતા. તે દરમ્યાન જ ભાગ્યના ઘર પાસે આઈસ્ક્રીમની એક લારી પણ ઉભી છે. આ આઈસક્રીમની લારી છેલ્લા ૬ મહિનાથી એજ સ્થળે ઉભી રહી છે. અને તેનો ઉપયોગ પણ કરવામાં આવતો નથી. લોકોનું કહેવુ છે કે આઈસક્રીમની લારીનો માલિક કામની શોધમાં બીજી જગ્યાએ જતો રહ્યો છે. રમત દરમિયાન બંને બાળકીઓ એક જ કાર્ટમાં આઈસ્ક્રીમના બોક્સમાં સંતાઈ ગઈ હતી. તેમને લાગ્યું કે તેમાં છુપાઈને કોઈ તેમને શોધી શકશે નહીં. અન્ય કોઈ બાળકે તેને આ બોક્સમાં પ્રવેશતા પણ જાેયા ન હતા. રમત દરમ્યાન આ બોક્સ જ તેમના મૃત્યુનું કારણ બન્યું. પોલીસના જણાવ્યા અનુસાર, આઈસ્ક્રીમ બોક્સમાં પહેલાથી જ ઝેરી હવા હોઈ શકે છે. કારણ કે તે લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવી નથી. આ સિવાય કદાચ તેનું ઢાંકણું પણ હવાના દબાણને કારણે એકદમ ફીટ બંધ થઈ ગયું હતું. બાળકીઓ આમાંથી બહાર નીકળી શકી ન હતી અને ગુંગળામણને કારણે બંને બાળકીઓના મોત નિપજ્યા છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. હાલ બાળકીઓના મોતના પગલે પરિવારજનો શોકાતુર બન્યા છે.