કોલકાતા
હાવડાના અધિકારક્ષેત્ર હેઠળના ઉલુબેરિયા-સબ ડિવિઝનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં સીઆરપીસીની કલમ ૧૪૪ ને ૧૫ જૂન સુધી લંબાવવામાં આવી છે. શુક્રવારે શુક્રવારની નમાજ બાદ પશ્ચિમ બંગાળ સિવાય દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, તેલંગાણા સહિત ઘણા રાજ્યોમાં પ્રદર્શન જાેવા મળી રહ્યા છે. આ દરમિયાન પોલીસ અને પથ્થરબાજાે વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. ઝારખંડની રાજધાની રાંચીમાં હિંસક પ્રદર્શન દરમિયાન બે લોકોના મોત થયા છે. પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં શુક્રવારે અરાજક તત્વો દ્વારા વિવિધ સ્થળોએ રસ્તાઓ અને રેલ્વે ટ્રેકને અવરોધિત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે શુક્રવારે સાંજે હાવડા જિલ્લામાં ઈન્ટરનેટ બંધ કરી દેવાયું હતું. આ સાથે જ ભાજપ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવી રહી છે. ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીનું કહેવું છે કે રાજ્યની સ્થિતિને મુખ્યમંત્રી સંભાળી રહ્યા નથી. બદમાશો સાથે કડક વ્યવહાર કરવાને બદલે મમતા બેનર્જી તેમને વિનંતી કરી રહી છે. તેમણે કહ્યું કે જાે તૃણમૂલ સરકાર રાજ્યની સ્થિતિને સંભાળવામાં અસમર્થ હોય તો તેની જવાબદારી કેન્દ્ર સરકારને સોંપો. સુવેન્દુ અધિકારીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પશ્ચિમ બંગાળમાં પેરા મિલિટ્રી ઉતારવાની માંગ કરી છે. બીજેપી સાંસદ સૌમિત્ર ખાને પણ બંગાળમાં કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતીની માંગ કરી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે હાવડામાં હિંસા અને આગચંપી પછી સામાન્ય લોકોની સુવિધા માટે પશ્ચિમ બંગાળમાં રસ્તાઓ અને રેલ્વે ટ્રેકને અવરોધિત ન કરવા માટે વિરોધીઓને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું, ‘હું તમારી પીડા અને ગુસ્સો સમજી શકું છું. પરંતુ હું તમને હાથ જાેડીને અપીલ કરું છું કે રાજ્યમાં રસ્તાઓ અને રેલવે ટ્રેક જામ કરીને આંદોલન ન કરો. જાે મને મારવાથી તમારો ક્રોધ શમી જાય તો હું તેના માટે પણ તૈયાર છું.પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લાના પંચાલા બજારમાં શનિવારે વિરોધીઓના એક જૂથે પથ્થરમારો અને હિંસાનો આશરો લીધો હતો. જ્યારે પોલીસે ઉપદ્રવીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમના પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો. આવી સ્થિતિમાં અરાજક તત્વોને વિખેરવા માટે પોલીસ દળે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને શુક્રવારથી દેશના અલગ-અલગ રાજ્યોમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. આ ક્રમમાં શુક્રવારથી પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ સ્થળોએ આગચંપી અને હિંસાની ઘટનાઓ સામે આવી રહી છે.
