મધ્યપ્રદેશ
લગ્ન એ સામાજીક વ્યવસ્થાનો એક અભિન્ન અંગ છે. સમાજમાં રહેતો દરેક વ્યક્તિ લગ્નના બંધનમાં બંધાતો હોય છે. કેટલાક લગ્ન તેમની વિશિષ્ટ પરંપરાઓ અને રીતભાતોને કારણે ચર્ચાનો વિષય બનતો હોય છે. આવા જ એક અનોખા લગ્ન મધ્યપ્રદેશમાં પણ જાેવા મળ્યા છે. મધ્યપ્રદેશના આદિવાસી બહુમતી ધરાવતા અલીરાજપુર જિલ્લામાં એક વરરાજાએ આદિવાસી રીતિ-રિવાજ પ્રમાણે તેની ૩ ગર્લફ્રેન્ડ સાથે સાત ફેરા લીધા અને લગ્નના બંધનમાં બંધાયો છે. આ શખ્સના લગ્નમાં તેની ત્રણેય પ્રેમિકા દ્વારા જન્મેલા તેના ૬ બાળકો પણ હાજર રહ્યાં હતા. જણાવી દઈએ કે આ અનોખા લગ્ન કરનાર શખ્સનુ નામ નામ સમરથ મૌર્ય છે. સમરથ મૌર્ય પોતે નાનપુર વિસ્તારના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે. વરરાજા સમરથ મૌર્ય અને તેમના બાળકો આ લગ્નથી ખૂબ જ ખુશ છે. લગ્ન સમારોહમાં તેમણે જાેરદાર ડાન્સ પણ કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ પણ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. લગ્નના આમંત્રણ કાર્ડમાં વરરાજાના નામની સાથે તેની ત્રણ ગર્લફ્રેન્ડના નામ પણ લખવામાં આવ્યા હતા. વરરાજાના કહેવા પ્રમાણે, ૧૫ વર્ષ પહેલા તે ગરીબ હતો, તેથી તે લગ્ન કરી શક્યો ન હતો. જાે કે હવે તે આર્થિક રીતે સધ્ધર છે તેથી હવે તે લગ્ન કરી રહ્યો છે. છેલ્લા ૧૫ વર્ષથી સમરથ મૌર્યને ત્રણ યુવતીઓ સાથે પ્રેમ હતો. તે ત્રણેયને વારાફરતી લઈને ઘરે લઈ આવ્યો અને ત્રણેયને પત્નીની જેમ જ રાખતો હતો. આદિવાસી ભીલાલા સમુદાયને લિવ-ઇનમાં રહેવાની અને બાળકો પેદા કરવાની સ્વતંત્રતા છે, પરંતુ જ્યાં સુધી લગ્ન કાયદા દ્વારા ન થાય ત્યાં સુધી. ત્યાં સુધી આવા લોકોને સમાજના શુભ કાર્યોમાં ભાગ લેવાની છૂટ નથી. તેથી ૧૫ વર્ષ અને ૬ બાળકો પછી સમર્થ મૌર્યએ તેની ત્રણેય ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા. સમાજના લોકો જણાવે છે કે હવે નવપરણિત વરરાજા અને તેની ત્રણેય દુલ્હનોને માંગલિક પ્રસંગોમાં હાજરી આપવા દેવામાં આવશે. નોંધનીય છે કે ભારતીય બંધારણની કલમ ૩૪૨ આદિવાસી રીત-રિવાજાે અને વિશિષ્ટ સામાજિક પરંપરાઓનું રક્ષણ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ અનુચ્છેદ અનુસાર સમરથ મૌર્યના ત્રણ દુલ્હન સાથેના લગ્નને ગેરકાયદેસર ગણવામાં આવશે નહીં.