શાઝાપુર
મધ્ય પ્રદેશમાં સરકાર જ્યાં બેટી પઢાઓ યોજના ચલાવી રહી છે અને તેમના માટે નવી નવી જાહેરાતો કરી રહી છે. તો વળી શિક્ષણનો અધિકાર કાયદા અંતર્ગત એક દલિત છાત્રાને પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન મળ્યું હતું. પણ સ્કૂલ સંચાલક રવિ પાટીદાર દ્વારા ચૂંટણી મતભેદના કારણે ક્લાસમાંથી એક છાત્રા આકાંક્ષાને સ્કૂલમાંથી કાઢી મુકી હતી. બાળકીના પિતા રાજેશ ચાવરેએ આ મામલાને લઈને લોકસુનાવણી, જિલ્લા શિક્ષણ અધિકારી અને સીએમ હેલ્પલાઈનમાં પણ ફરિયાદ કરી હતી. પણ તેને ક્યાંયથી પણ રાહત મળી નહીં. જૂલાઈ મહિનામાં પંચાયત ચૂંટણી થઈ હતી. ત્યાર બાદથી છાત્રાનું ભણતર ડખે ચડ્યું છે. આખો મામલો શાઝાપુર જિલ્લાના ગ્રામ દુપાડાનો છે. જ્યાં બીએસપી નામની એક પ્રાઈવેટ સ્કૂલ ચાલે છે. તેમાં આકાંક્ષા ચાવરેએ એડમિશન લીધું હતું. સ્કૂલ સંચાલકની મનમાનીથી એક વિદ્યાર્થિનીનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. સ્કૂલ સંચાલકની ભાભીએ સરપંચની ચૂંટણી લડી હતી અને એક દલિત પિતાએ તેમને વોટ આપ્યો નહોતો. જેને લઈને દિકરીને સ્કૂલમાં નહીં આવવા દેવાની ધમકી આપવામાં આવી રહી છે. દિકરીના ભવિષ્ય માટે છેલ્લા કેટલાય દિવસથી શિક્ષણ વિભાગ અને સીએમ હેલ્પલાઈન પર મદદ માગી પણ કોઈ કાર્યવાહી થઈ નહીં. પરેશાન પિતાએ હવે કલેક્ટરને ફરિયાદ કરી છે. છાત્રા આકાંક્ષાના પિતાએ એક ફરિયાદી અરજી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જ્યારે પંચાયત ચૂંટણી થઈ તો સ્કૂલ સંચાલક રવિ પાટીદારની ભાભી સપના સચિન પાટીદાર ચૂંટણીમાં ઊભી રહી હતી. તે ચૂંટણી જીતી ગઈ પણ તેમનો આરોપ છે કે, જે વોર્ડમાં આકાંક્ષાના પિતા રહે છે, તે વોર્ડમાં તેમનો એકેય વોટ ન મળ્યો.હવે આકાંક્ષાને સ્કૂલ સંચાલક રવિ પાટીદારે સ્કૂલમાંથી મનમાની કરીને કાઢી મુકી છે. જ્યારે પરિવારે આવું કરવા પાછળ કારણ પુછ્યું તો, કહ્યું કે તમે લોકોએ અમને વોટ નથી આપ્યા એટલા માટે અમે તમારી દિકરીને સ્કૂલમાં નહીં ભણાવીએ. તેનું ટીસી અને એલસી લઈ જાવ. જિલ્લા શિક્ષણ અધિકારી વિવેક દુબેએ જણાવ્યું છે કે, મૌખિક રીતે ફરિયાદ મળી હતી, જેના પર ફોન પર ચર્ચા કર્યા બાદ સ્કૂલ સંચાલકે કહ્યું કે, બાળકીને શાળામાં નથી કાઢી મુકી, પણ ત્યાર બાદ ફરિયાદ અરજી મળવા પર તપાસ શરુ કરાઈ છે. બાળકીને સ્કૂલમાંથી કાઢી શકાય નહીં, આકાંક્ષાનું એડમિશન શિક્ષણના અધિકાર અંતર્ગત થયું છે, ત્રણ દિવસની અંદર દિકરીના હિત માટે ર્નિણય લેવાઈ જશે.
