મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશમાં વર્ષ ૨૦૦૭ના બળાત્કારના કેસનો આરોપી નાનકરામ હાલમાં ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરમાં રહે છે અને તેણે જાદુગરનો વ્યવસાય અપનાવ્યો છે. આરોપીએ તેનું બીજું આધાર કાર્ડ પણ ત્યાં બનાવ્યું હતું. જવર પોલીસ સ્ટેશનના ટીઆઈ શિવરામ જાટે જણાવ્યું કે, નાનકરામ ફરાર દરમિયાન ગ્વાલિયર, લખનૌ અને મુઝફ્ફરપુરમાં જાદુની કળા શીખ્યો હતો. તેણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં તેના શો કરવાનું શરૂ કર્યું. તેની સાથે એક આખી ટીમ હતી, જેમાં ઘણી છોકરીઓ પણ હતી. જ્યારે પોલીસને ખબર પડી કે, બળાત્કારનો આરોપી નાનકરામ બિહારના પટનામાં પોતાનો જાદુનો શો કરવા જઈ રહ્યો છે, ત્યારે પોલીસની ટીમ ખંડવાથી રવાના થઈ ગઈ. ત્યાં આ ટીમે દર્શક તરીકે નાનકરામનો આખો શો જાેયો અને જાદુ ખતમ થતાં જ તેની ધરપકડ કરી લીધી.વર્ષ ૨૦૦૭માં મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના જાવર પોલીસ સ્ટેશનમાં નાનકરામ રામેશ્વર ગવળી વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. આરોપીને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા હતા, પરંતુ તે પછી તે ફરાર થઈ ગયો હતો અને ક્યારેય કોર્ટમાં પાછો ફર્યો નહોતો. જ્યારે કોર્ટે તેની ધરપકડ કરીને હાજર કરવાનો કડક આદેશ આપ્યો ત્યારે પોલીસે તેના પર ૧૦,૦૦૦ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું.