મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના દમોહમાં શરાબના ધંધાદારી શંકર રાય અને તેમના ઔભાઇઓ સામે આવકવેરા વિભાગે દરોડા પાડીને કરેલી કામગીરી દરમિયાન બિનહિસાબી સંપત્તિ અને કરચોરીના પુરાવા મળી આવ્યા છે. શંકર રાયના ભાઇ સંજય રાય પાસેથી રૂપિયા ૩ કરોડ અને કમલ રાય પાસેથી રૂપિયા ૨.૫ કરોડની રકમ મળી આવી હતી. આવકવેરા અધિકારીઓએ દસ્તાવેજ જપ્ત કરીને તપાસ શરૂ કરી દીધી છે. આવકવેરા વિભાગના અધિક કમિશનર મુનમુન શર્માએ જણાવ્યા મુજબ રાયબંધુઓને દરોડા પડવાના છે તેવા સંકેત મળી ગયા હતા. તેથી રૂપિયા ત્રણ કરોડ પ્લાસ્ટિકની બેગમાં ભરીને પાણીની ટાંકીમાં છુપાવી દીધા હતા. આવકવેરા અધિકારીઓને ટાંકીમાં ઊતરીને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલી રોકડ કબજે કરવી પડી હતી. ૫૦ જેટલા વાહનોમાં આવેલા આવકવેરા વિભાગના ૧૦૦ જેટલા અધિકારીઓએ રાય બંધુઓને ત્યાં દરોડો પાડી દીધો હતો. દિવસભર ચાલેલી કામગીરીને અંતે ૬ કરોડ રોકડ, ત્રણ કિલો સોનું, જગુઆર, ઓડી અને લેન્ડ રોવર જેવી ૬ લક્ઝરી કાર મળી આવી હતી. તેના દસ્તાવેજાેની તપાસ થઇ રહી છે. બેહિસાબી સંપત્તિ અને ટેક્સચોરીની સમીક્ષા માટે દસ્તાવેજાેની ચકાસણી જરૂરી છે. રાયબંધુ શરાબના ધંધા ઉપરાંત હોટેલ અને પરિવહન વ્યવસાય પણ ચલાવી રહ્યા હતા. તેમની પાસે સંખ્યાબંધ બસ છે. કેટલાક સ્થાનિક પેટ્રોલ પંપનું સંચાલન પણ કરે છે. શંકર રાયના નાના ભાઇ રાજુ રાયની પત્ની સાધના રાયની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ હતી. તે પછી જાણકારી મળી કે તેમને હાર્ટએટેક આવ્યો હતો. તેમને સૌ પ્રથમ દમોહ અને પછી જબલપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.