મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશમાં એક અત્યંત હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. મુરૈનામાં એક ૮ વર્ષનો છોકરો તેના ૩ વર્ષના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને બેઠેલો જાેવા મળ્યો. તેનો પરિવાર એમ્બ્યુલન્સની શોધમાં હતો. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક નાનકડો માસૂમ બાળક દીવાલને ટેકીને બેઠો છે અને ભાઈના મૃતદેહને ખોળામાં લઈ અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ જવાની રાહ જાેઈ રહ્યો છે. પિતા ૩ વર્ષના મૃત બાળકને ઘરે લઈ જવા માટે વાહનની શોધ કરતા જાેવા મળ્યા કારણ કે હોસ્પિટલે એમ્બ્યુલન્સ આપવાની ના પાડી દીધી. ગ્રામીણ પૂજારામ જાટવ તેના ૩ વર્ષના બાળક રાજાને લઈને જિલ્લા હોસ્પિટલ આવ્યા હતા. રાજા એનીમિયાથી પીડિત હતો અને સરકારી જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો. જાટવે હોસ્પિટલ પાસે મૃતદેહને ઘરે લઈ જવા માટે વાહન માંગ્યું પણ એમ કહીને ના પાડી દીધી કે હોસ્પિટલ પાસે બીજુ કોઈ વાહન નથી અને પિતાને બીજું વાહન ભાડે લઈ લેવા કહ્યું. એક અસહાય પિતા તેના આઠ વર્ષના બાળક ગુલશન સાથે રાજાના મૃતદેહને લઈને હોસ્પિટલમાંથી બહાર આવ્યા. ઘટનાની સૂચના મળતા જ એસએચઓ યોગેન્દ્ર સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે મૃતદેહને ઉઠાવ્યો અને સીધા જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. જલદી હોસ્પિટલ પ્રશાસને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને મૃતદેહને ઘરે મોકલી દીધો. અત્રે જણાવવાનું કે છેલ્લા પાંચ મહિનામાં રાજ્યમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે. આ ઘટનાને લઈને વિપક્ષી કોંગ્રેસે શિવરાજ સિંહ ચૌહાણ સરકારની ટીકા પણ કરી. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે ‘હું તમને ફરીથી અપીલ કરું છું કે રાજ્યના મુખિયા તરીકે તમે ચિકિત્સા વ્યવસ્થાને મજબૂત કરો જેથી કરીને રાજ્યના સાત કરોડ લોકોને તમારી બેદરકારીનું નુકસાન ઉઠાવવું ન પડે.’
