ભોપાલ
મધ્ય પ્રદેશ સરકારના ૨૪ વર્ષ જૂના હેલિકોપ્ટર બેલ ૪૩૦ને વેચવામાં આવશે. આ હેલિકોપ્ટરની હરાજીમાં સાત વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેની કિંમત નક્કી કરવામાં આવી હતી. મે ૨૦૨૨માં સાતમી વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ભોપાલની કંપની એફએ એન્ટરપ્રાઇઝે ૨.૫૭ કરોડ રૂપિયામાં તેને ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારે હવે તેને ૨,૫૭,૧૭,૭૭૭ લાખ રૂપિયામાં વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ તે જ હેલિકોપ્ટર છે જેનો વર્ષ ૨૦૦૩માં બોલિવૂડ ગાયિકા અનુરાધા પૌડવાલને લઈ જતી વખતે અકસ્માત થયો હતો. આ હેલિકોપ્ટર ૨૧ ફેબ્રુઆરી, ૨૦૦૩ના દિવસે ઇન્દોરના વિજય નગર પાસે બોલિવૂડ ગાયિકા અનુરાધા પૌડવાલને એક સરકારી કાર્યક્રમ માટે લેવા જતી વેળા ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં પૌડવાલને સામાન્ય ઇજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં તત્કાલિન મુખ્યમંત્રી દિગ્વિજય સિંહના અંગત સહાયક રાજેન્દ્ર સિંહ રઘુવંશીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મંગળવારે પીટીઆઈ સાથેની વાતચીત દરમિયાન, રઘુવંશીએ કહ્યુ હતુ કે પૌડવાલને બિયોરા પાસે એક સરકારી કાર્યક્રમ માટે લેવા જતી વખતે અને તત્કાલિન વિધાનસભ્ય કોંગ્રેસ પ્રમુખ રાધાકિશન માલવિય પણ હેલિકોપ્ટરમાં હાજર હતા. ત્યારે હેલિકોપ્ટર ઇન્દોર શહેરની બહારના વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું. મધ્ય પ્રદેશ જનસંપર્ક વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મંગળવારે ભોપાલમાં મંત્રીમંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કેબિનેટે હેલિકોપ્ટર વેચવા માટે મહોર લગાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર બેલ-૪૩૦ની વર્ષ ૨૦૦૩ની એક દુર્ઘટનામાં ભાંગી પડ્યું હતું. ત્યારબાદ તેનું મેન્યુફેક્ચરિંગ બંધ કરવા અને તેની ઉડાન યોગ્ય ન હોવાને કારણે વેચવા માટે ઓનલાઇન અરજી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ સરકારે આ હેલિકોપ્ટર ૧૯૯૮માં ૩૩ કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું. જૂનું થવાને કારણે સરકાર ૧૦ વર્ષથી વેચવાની કોશિશ કરી રહી હતી. હેલિકોપ્ટર વેચવા માટે મે ૨૦૨૨માં સાતમી વાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ભોપાલની કંપની એમએ એન્ટરપ્રાઇઝે ૨.૫૭ કરોડમાં હેલિકોપ્ટર ખરીદવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. હવાઇ વિભાગ બાદ નાણા મંત્રાલયે પણ તે ખરીદવા માટે સહમતી આપી દીધી છે. હવે કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ હેલિકોપ્ટર ખરીદનાર નઇમ રઝા એક એરક્રાફ્ટ મેન્ટેઇનન્સ એન્જિનિયર છે અને તેમનો સ્ક્રેપનો કારોબાર પણ છે.
