મુંબઈ
મહારાષ્ટ્રમાં વર્તમાન સમયમાં લાઉડસ્પીકર વિવાદ ચાલી રહ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરે અને સંજય રાઉત આ વિવાદ પર આમને-સામને આવી ગયા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે હિન્દુત્વ માટે કાળો દિવસ ગણાવતા ભાજપ પર હુમલો કર્યો છે. સંજય રાઉતે કહ્યુ કે, આ વિવાદનું નુકસાન મંદિરોએ પણ ભોગવવુ પડશે. શિવસેનાના નેતા રાઉતે કહ્યુ કે, લાઉડસ્પીકર નિયમ બધા માટે છે, તે માત્ર મસ્જિદો માટે નથી. સંજય રાઉતે લાઉડસ્પીકર વિવાદ પાછળ ભાજપનો હાથ ગણાવ્યો છે. રાઉતે કહ્યુ કે, રાજ ઠાકરેનો ઉપયોગ કરી ભાજપ હિન્દુ-હિન્દુમાં વિવાદ ઉભો કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, મોટા મંદિરોમાં પણ બધા લોકો અંદર જઈ શકે નહીં, તેમાં પણ મર્યાદિત લોકોને પ્રવેશ મળે છે. સંજય રાઉતે કહ્યુ કે, આજે ઘણા લોકો લાઉડસ્પીકરથી આરતી સાંભળી શક્યા નથી. આ કારણે મંદિરની બહાર રહેલાં લોકો નારાજ થઈ ગયા છે. લાઉડસ્પીકર પર કહ્યું કે જાે તેનું પાલન કરવું હોય તો તેનું નુકસાન મંદિરોએ પણ ભોગવવું પડશે. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલાં વિવાદ પર કહ્યું કે, શિરડીમાં, ત્ર્યંબેકેશ્વર મંદિરમાં બહાર રહેલાં લોકો આરતી સાંભળી શક્યા નહીં. રાઉતે આરોપ લગાવ્યો કે આ આંદોલન હિન્દુઓમાં ભાગલા પડાવવાનું કામ કરશે. મહારાષ્ટ્રમાં આ મુદ્દો ગરમાયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફે આજે પત્રકારો સાથે વાત કરતા કહ્યુ કે અમે કાયદાનું પાલન કરાવી રહ્યાં છીએ અને માત્ર સર્વોચ્ચ ન્યાયાલયના આદેશનું પાલન કરાવી રહ્યાં છીએ. મહારાષ્ટ્રમાં ૯૨ ટકા મસ્જિદોમાં લાઉડસ્પીકર પર અઝાન થઈ નહીં તેમ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. મનસે ચીફે સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપતા કહ્યું કે, ૪૫થી ૫૫ ડેસીબેલથી વધુ અવાજ લાઉડસ્પીકરમાં હોવો જાેઈએ નહીં. સાથે ઠાકરેએ કહ્યું કે આ મુદ્દો ધાર્મિક નહીં પરંતુ સામાજિક છે.
