મુંબઈ
વિશ્વ વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે. મનુષ્ય ચંદ્ર સુધી પહોંચી ચૂક્યો છે અને મેડિકલ સાયન્સે પણ અસાધારણ પ્રગતિ સાધી છે. પરંતુ તેમ છતાં અમુક લોકો અંધશ્રદ્ધાની જાળમાંથી બહાર નીકળી શકતા નથી. શિક્ષિત લોકો પણ આ જાળમાં ફસાયેલા જાેવા મળે છે. આવો જ એક કિસ્સો મુંબઈના પવઈમાં સામે આવ્યો છે. અહીં એક મહિલાએ તેના બિઝનેસમેન પતિને વશમાં કરવા માટે એક જ્યોતિષને ૫૯ લાખ રૂપિયા આપ્યા હતા. હવે બિઝનેસમેને પોતાની પત્નીના એક્સ બોયફ્રેન્ડ અને જ્યોતિષી વિરુદ્ધ છેતરપિંડી અને ખોટી રીતે પૈસા લેવા બદલ કેસ દાખલ કર્યો છે. રિપોર્ટ અનુસાર, જ્યોતિષ અને મહિલાના એક્સ બોયફ્રેન્ડે મળીને એક બિઝનેસમેનની પત્નીને છેતરી હતી કે તેઓ ‘કાળા જાદુ’ કરીને તેના પતિને વશ કરી દેશે. જેના બદલામાં તેમની પાસેથી ૨૪ લાખ રૂપિયાનું સોનું અને ૩૫ લાખ રૂપિયા રોકડા લઈ લીધા હતા. પવઈ પોલીસે જણાવ્યું હતું કે તેઓએ શનિવારે બાદલ શર્મા (જ્યોતિષી) અને પરેશ ગડા (ભૂતપૂર્વ બોયફ્રેન્ડ) સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. આરોપીએ વેપારીની પત્ની પાસેથી જે પૈસા પડાવ્યા હતા તે બિઝનેસમેને તેના કર્મચારીઓને દિવાળી બોનસ આપવા માટે રાખ્યા હતા. આ છેતરપિંડી ૧૩-૧૮ ઓક્ટોબરની વચ્ચે થઈ હતી. પોલીસ પૂછપરછ દરમિયાન બિઝનેસમેનની પત્ની (૩૮)એ જણાવ્યું કે, તેણે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક જાહેરાત જાેઇ હતી. જેમાં પતિને વશમાં કરવા વિશે લખ્યું હતું. કારણ કે મહિલાના પતિએ માત્ર તેના ભાઈ અને પરિવારની વાત સાંભળી અને તેની સાથે ઝઘડો કરતો હતો, તેથી તેણે જ્યોતિષનો સંપર્ક કર્યો. પરેશે આ કામમાં બાદલની મદદ કરી હતી. મહિલાએ દાવો કર્યો હતો કે બાદલે તેને કહ્યું હતું કે, તે તેના પતિને વશ કરવા માટે કાળા જાદુ કરશે. ત્યારબાદ આરોપીએ પૂજાના નામે તેની પાસેથી ૫૯ લાખ રૂપિયા પડાવ્યા હતા. ૩૯ વર્ષીય બિઝનેસમેને દિવાળીના અવસર પર પોતાના સ્ટાફને બોનસ વહેંચવા માટે કબાટમાંથી પૈસા લેવા ગયો તો ૩૫ લાખ રૂપિયા ગાયબ જાેવા મળ્યા. “શરૂઆતમાં મારી પત્નીએ મને કશું કહ્યું નહીં. પાછળથી જ્યારે મેં અને મારા ભાઈએ તેને વિશ્વાસમાં લીધા, ત્યારે તેણે બધું જ કહ્યું. પત્નીએ એમ પણ કહ્યું હતું કે, તેમને સોનાના દાગીના પણ આપ્યા છે. વેપારીની પત્ની અને પરેશ વચ્ચે ૧૩ વર્ષ પહેલા પ્રેમસંબંધ હોવાનું પૂછપરછમાં સામે આવ્યું છે. તે સમયે મામલો થાળે પડ્યો હતો. પરંતુ આ સંબંધની જાણ થતાં વેપારી અને તેની પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.


