મુંબઈ
ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમ આઈસીસીના ભાવિ કાર્યક્રમ અંતર્ગત આગામી પાંચ વર્ષ (૨૦૨૩થી ૨૦૨૭)ના સમયગાળામાં ૧૪૧ દ્વિપક્ષીય આંતરાષ્ટ્રીય મેચ રમશે. ભારતીય ટીમ પાંચ વર્ષના ગાળામાં ૩૮ ટેસ્ટ, ૪૨ વન-ડે અને ૬૧ ટી૨૦ મેચ રમશે. જાે કે આ ગાળામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન પરિસ્થિતિને જાેતા કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાશે નહીં. વન-ડેની તુલનાએ ટી૨૦ મેચની સંખ્યા વધુ છે જે સુચવે છે કે ટૂંકા ગાળાની ફોરમેટ વધુ લોકપ્રિયતા મેળવી રહી છે. આઈસીસીના એફટીપી મુજબ ૧૨ સભ્ય દેશો કુલ ૭૭૭ આંતરાષ્ટ્રીય મેચો રમશે જેમાં ૧૭૩ ટેસ્ટ, ૨૮૧ વન-ડે અને ૩૨૩ ટી૨૦ મેચનો સમાવેશ કરાયો છે. વર્તમાન સત્રમાં કુલ ૬૯૪ મેચ રમાઈ હતી. આ ગાળામાં આઈસીસીની બે મેન્સ ટેસ્ટ ચેમ્પિયનશિપ, આઈસીસી ટૂર્નામેન્ટ અને દ્વિપક્ષીય તેમજ ત્રિકોણીય શ્રેણીનો સમાવેશ થાય છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ચાર મેચને બદલે પાંચ મેચની કરવામાં આવી છે. ભારતીય ટીમ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બન્ને વિરુદ્ધ પાંચ-પાંચ મેચની શ્રેણી રમશે. ભારત જુલાઈ તથા ઓગસ્ટ ૨૦૨૩માં વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં બે ટેસ્ટ, ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચ રમશે. ઈંગ્લેન્ડ સામે માર્ચ ૨૦૨૪માં ઘરઆંગણે પાંચ મેચની શ્રેણી યોજાશે. ઓસ્ટ્રેલિયા ગત એફટીપી મુજબ આગામી વર્ષના પ્રારંભે ભારતમાં ચાર ટેસ્ટ મેચ રમશે. ૧૯૯૧ પછી સૌપ્રથમ વખતે ભારતીય ટીમ ૨૦૨૪-૨૫માં ઓસ્ટ્રેલિયામાં પાંચ ટેસ્ટ મેચ રમશે. ભારત સપ્ટેમ્બર ૨૦૨૪માં બે ટેસ્ટ માટે બાંગ્લાદેશની યજમાની કરશે. ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ પૂર્વે ભારત ૨૭ વન-ડે મેચ રમશે જેનો પ્રારંભ ઝિમ્બાબ્વે સામે ગુરુવારથી વન-ડે શ્રેણી સાથે થશે.
