મુંબઈ
દિલ્હી પહોંચેલા સાંસદ નવનીત રાણાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, જાે રામના નામ પર આખી જિંદગી જેલમાં રહેવું પડે તો પણ તૈયાર રહીશ. જામીનની શરતોના ભંગ પર તેમણે કહ્યું- મીડિયા સાથે જેલમાં થયેલા દુર્વ્યવહાર પર અમે વાત કરી છે. જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું નથી. અમારા પર જે આરોપ લાગ્યા તેના પર કોઈ વાત કરી નથી. કોર્ટની નોટિસ પર અમરાવતીથી સાંસદે કહ્યું કે, ભગવાનનું નામ લેવું ખોટુ નથી. જાે ભગવાન રામનું નામ લેવાને લઈને મને કોઈ આખી જિંદગી જેલમાં રહેવું પડે તો પણ તૈયાર છું. નવનીત રાણાએ કહ્યું, હું દેશની પ્રથમ મહિલા જનપ્રતિનિધિ છું, જેને ભગવાનનું નામ લેવા પર જેલમાં પૂરવામાં આવ્યા. જ્યારે આદિત્ય ઠાકરે જેલ જાય ત્યારે જાેઈશું તેની પ્રતિક્રિયા શું હોય છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે કોઈ કામ કર્યું નથી. તેણે આજે દેખાડવુ પડે છે કે અસલી ભક્ત કોણ છે અને નકલી ભક્ત કોણ છે. બીએમસી તરફથી ઘર બનાવવામાં ગડબડીની નોટિસ પર તેમણે કહ્યું કે, મને બેઘર પણ કરી દેવામાં આવશે તો પણ હું હિંમત સાથે લડીશ. તેમણે શિવસેના પર સત્તાના દુરૂપયોગનો આરોપ લગાવ્યો હતો. ઉદ્ધવ સરકાર પર આક્રમક વલણને લઈને કહ્યું કે, બાલાસાહેબે હિન્દુત્વ માટે લડાઈ લડી, પરંતુ તેમણે પદ માટે લડાઈ લડી છે. અમે બાલાસાહેબને માનીએ છીએ અમે ઉદ્ધવ ઠાકરેને માનતા નથી. તે પદ માટે પોતાની વિચારધારા સહિત અન્ય વસ્તુને છોડી ચુક્યા છે. મહારાષ્ટ્રમાં પ્રથમવાર છે જ્યારે લાંબા સમય સુધી મુખ્યમંત્રી ઓફિસે જતા નથી. મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વિવાદ સતત વધી રહ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરાવવાને લઈને વિવાદોમાં આવેલા સાંસદ નવનીત રાણા વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર ફરી કોર્ટમાં પહોંચી છે. સરકારી વકીલે કોર્ટ પાસે માંગ કરી કે જેલમાંથી બહાર આવ્યા બાદ અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેમના પતિએ જામીનની શરતોનો ભંગ કર્યો છે. તેથી તેમને ફરી જેલ મોકલવા જાેઈએ. ત્યારબાદ કોર્ટે રાણા દંપતિને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે અને પૂછ્યુ કે શું કામ તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યૂ ન કરવામાં આવે. હવે આ મુદ્દે નવનીત રાણાએ પ્રતિક્રિયા આપી છે. દિલ્હી પહોંચેલા સાંસદે કહ્યું કે અમે દિલ્હીથી પરત જઈ કોર્ટની નોટિસનો જવાબ આપીશું.


