મુંબઈ
આયુષ્માન ખુરાના તેની ફિલ્મોના આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાના કારણે હંમેશા ચર્ચામાં રહ્યો છે. બોલિવૂડમાં આયુષ્માન જેવી ટેલેન્ટ ધરાવતા અનેક એક્ટર્સ છે પરંતુ ફિલ્મ સિલેક્શનના મામલે તે અવ્વલ છે. આયુષ્માન આગામી સમયમાં અનુભૂતિ કશ્યપ નિર્દેશિત ફિલ્મ ‘ડોક્ટર જી’માં નજર આવવાનો છે. આ ફિલ્મમાં આયુષ્માન ગાયનેકોલોજિસ્ટનો રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ગત વર્ષે જ પૂરું થઈ ગયુ હતું પરંતુ કોરોના રિસ્ટ્રીકશનના કારણે મેકર્સે ફિલ્મને રિલીઝ કરવાનું ટાળ્યું હતું. હવે, પ્રોડક્શન હાઉસ દ્વારા ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ કરાઈ છે. આયુષ્માન સાથે આ ફિલ્મમાં રકુલ પ્રિત સિંહ અને શેફાલી શાહ પણ મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યા છે અને આયુષ્માનની જેમ આ બંને ફિમેલ એક્ટ્રેસ પણ ડોક્ટરનું કિરદાર નિભાવી રહ્યા છે. છટ્ઠ ફિલ્મ આગામી ૧૪ ઓક્ટોબરે રિલીઝ થશે અને ફિલ્મનું ઓનલાઈન પ્રમોશન એટલે કે, ટીઝર અને ટ્રેલર ૨૦ સપ્ટેમ્બર પછી સામે આવશે. ફિલ્મ માટે એક નવીન પ્રમોશનલ સ્ટ્રેટેજી પર કામ ચાલી રહ્યું છે. ‘ડોક્ટર જી’ આયુષ્માનની આ વર્ષે રિલીઝ થઈ રહેલી બીજી ફિલ્મ છે. અગાઉ, તેની ફિલ્મ ‘અનેક’ રિલીઝ થઈ ચૂકી છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નબળી સાબિત થઈ હતી. આયુષ્માનને એક્શન અવતારમાં રજૂ કરવાનો આ ફિલ્મના મેકર્સનો આઈડિયા નિષ્ફળ નિવડ્યો હતો. રકુલ અને આયુષ્માને ‘ડોક્ટર જી’ માટે ધારણ કરેલો ડોક્ટરનો અવતાર કેટલો કારગત નીવડે છે તે જાેવું રહ્યું.
