મહારાષ્ટ્ર
રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખ જાહેર થઈ. ચૂંટણી પંચે જણાવ્યાં મુજબ ૧૮ જુલાઈએ મતદાન થશે અને ૨૧મી જુલાઈએ પરિણામ જાહેર થશે. આજનો દિવસ પણ ખુબ મહત્વનો છે કારણ કે આજે રાજ્યસભાની ૧૬ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. દેશના ૪ રાજ્યોની રાજ્યસભા બેઠકો માટેની આ ચૂંટણીમાં જે પાર્ટી કે ગઠબંધનને વધુ બેઠકો મળશે તેનું પલડું રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારે જણાશે. માટે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે પણ આજની રાજ્યસભા ચૂંટણી ખુબ મહત્વની છે. રાજસ્થાનમાં ભાજપના ધારાસભ્ય શોભરાની કુશવાહનો મત એળે ગયો હોવાનું કહેવાય છે. તેઓ ધૌલપુરથી ધારાસભ્ય છે. જાે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીષ પુનિયાએ કહ્યું કે મતગણતરી સમયે તેની માન્યતા અંગે તપાસ થશે. બીજી બાજુ રાજસ્થાનમાં જ ભાજપના ધારાસભ્ય કૈલાશ મીણાના મત પર વિવાદ થયો છે. રાજેન્દ્ર રાઠોડ અને ગોવિંદ ડોટાસરામાં શાબ્દિક ટપાટપી પણ થઈ. ગઢી વિધાયક રાજેન્દ્ર રાઠોડે ભાજપના પોલિંગ એજન્ટને પોતાનો મત દેખાડ્યો હતો. આ બધા વચ્ચે ડોટાસરાએ દાવો કર્યો કે તેમણે પણ કૈલાશ મિણાને મત બતાવ્યો. જેના પર બોલાચાલી થઈ. હવે સીસીટીવી કેમેરાની મદદ લેવાશે. એનસીપી નેતા નવાબ મલિક હાલ જેલમાં બંધ છે. તેમણે કોર્ટમાં અરજી કરી હતી કે રાજ્યસભા ચૂંટણીમાં તેમને મતદાન કરવા દેવામાં આવે. પરંતુ હાઈકોર્ટમાં જસ્ટિસ નાઈકે રાહત આપવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે મલિક આ રીતે જઈને મતદાન કરી શકે નહીં. જાે રાજ્યસભાના આંકડાની વાત કરીએ તો આંકડાકીય ગણતરી મુજબ રાજ્યસભામાં કુલ ૨૪૫ સભ્યો હોય છે. જેમાંથી ૨૩૩ બેઠકો માટે મતદાન થાય છે. જ્યારે બાકીની ૧૨ બેઠકો પર રાષ્ટ્રપતિ તરફથી ઉમેદવાર નોમિનેટ થાય છે. હાલ રાજ્યસભામાં સૌથી વધુ ૯૫ સભ્યો ભાજપના છે. જ્યારે કોંગ્રેસના ૨૯ સભ્યો છે. આજે જે ૧૬ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે તેમાં હરિયાણાની ૨ બેઠકો, રાજસ્થાનની ૪, કર્ણાટકની ૪ અને મહારાષ્ટ્રની ૬ બેઠકો સામેલ છે. રાજ્યોના વિધાયકો આ બેઠકો માટે મતદાન કરશે. આ ચૂંટણીમાં લોકસભા કે વિધાનસભા બેઠકો માટે જે રીતે મતદાન થાય છે અને નાગરિકો મતદાનમાં ભાગ લે છે તેવું હોતું નથી. નાગરિકો મતદાન કરતા નથી પરંતુ નાગરિકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મતદાન કરે છે.
